હું તો બસ ફરવા આવ્યો છુ !
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું!
અહીં પથ પર શી મધુર હવા
ને ચ્હેરા ચમકે નવા નવા!
-રે ચહું ન પાછો ધેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં, સ્વપ્ન મહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ધડી
ને ગાઇ શકું બેચાર કડી
તો ગીત પ્રેમ નું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છુ !