એના ગયા પછી
પાંપણોને કોઈ સમજાવે નહીં
પાંપણોમાં ઊંઘ પણ આવે નહીં
ભીંત પર એવી સફેદી જોઉં છું
આંખ કોઈ દ્રષ્ય લટકાવે નહીં
ત્યાં ફૂટેલી માટલી,કોને ખબર
આંસુઓનાં બુંદ છલકાવે નહીં
રાખ ચૂલા પર હજી ઊડ્યા કરે
પણ હવાને કોઈ સળગાવે નહીં
સૂપડામાં શબ્દ વેરણછેર છે
હીંચકો પણ ગીત સંભળાવે નહીં
આંગણું દિગન્ત જેવું થઈ ગયું
કોઈનાં પગલાંઓ ઉપસાવે નહીં
- દિગન્ત પરીખ