રોજ તકરાર થાય છે અંદર ,
ને સમાધાન થાય છે અંદર .
જે તને હું નથી કહી શકતો ,
એ બધી વાત થાય છે અંદર.
આંખ વરસી રહે પૂરેપૂરી ,
મન પછી શાંત થાય છે અંદર .
કોણ છે આરપાર મારામાં ,
કોનો અણસાર થાય છે અંદર.
માંડ ફરિયાદ એક કાઢું જ્યાં,
ત્યાં નવી રાવ થાય છે અંદર.
કોણ મારું ને હું ય કોનો છું,
એ સતત વાદ થાય છે અંદર.