કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.
થોડાંક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?
ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલામાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુ:ખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી,
હેતુ ગણતું હેત,
દોધિયાં માટે દોડતાં એમાં
જીવતા જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !
– મકરંદ દવે