ગાંધી જયંતિ નિમિત્તે કહેવાતા ગાંધીવાદીઓ, સમાજસેવકો અને ખાદીધારી રાજકારણીઓને સાદર અર્પણ.....
સહેજ તો સાચું બોલી જો પછી ગાંધીની વાત કર
સહેજ તો ખુદને તોળી જો પછી ગાંધીની વાત કર
શૂટ બુટ ત્યાગી ને પહેરી લીધી લંગોટી એણે
આ શર્ટની બ્રાન્ડ છોડી જો પછી ગાંધીની વાત કર
ચાલ્યો'તો એ આઝાદી માટે છેક દાંડી સુધી
સ્વાર્થ વિના તું બે ડગ ચાલી જો પછી ગાંધીની વાત કર
જશ્નની ઝળાઝળાથી દુર ઠારતો રહ્યો આગને
આ મેં કર્યું ની હુંપદ છોડી જો પછી ગાંધીની વાત કર
ઘર પરિવાર ના ભોગે મંડયો રહ્યો એ સતત
કદી ખુદ ની બહાર નીકળી જો પછી ગાંધીની વાત કર
પારદર્શી થઇ જીવ્યો ને રહ્યો સત્ય સંગાથે
ખુદના સ્ખલન સૌ ખોલી જો પછી ગાંધીની વાત કર
ગાયું'તું જે નરસિંહે ને જીવ્યો'તો જેને સાચે જ ,
કદીક લોભ- કપટ તો છોડી જો પછી ગાંધીની વાત કર.