ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી,
લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની..
ડી. જે. નું બેન્ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે,
બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા ! – ગરબાની..
તારો તહેવાર છે, તારા સંસ્કાર છે,
તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની..
મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં,
અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ ! – ગરબાની..
– શ્યામલ મુનશી