#KAVYOTSAV
ગઝલ...
આંખમાં એની ચમક દેખાય છે,
રોજ વર્તનમાં ફરક દેખાય છે.
જ્યાં સદા માનવની સેવા થાય છે,
ત્યાં મને ઝળહળ મલક દેખાય છે.
જોઇ સૂરજના ઉદય ને અસ્તને,
જિંદગીમાં કૈં સબક દેખાય છે.
જે મને લઇ જાય ઈશ્વરના ઘરે,
ભીતરે સાચી સડક દેખાય છે.
જાતથી નારાજ છે તેઓને તો,
આ જગતમાં પણ નરક દેખાય છે.
લાગણીનું જ્યાં ઝરણ હું જોઉં ત્યાં,
શ્વાસનું નક્કર મથક દેખાય છે.
ઝાડની ડાળી કપાતી જોઉં છું
ને મને એની કસક દેખાય છે.
આમ દિલના તો ઘણા કોમળ છે,
એ બહારથી છોને કડક દેખાય છે.
ને દરદ સઘળા હું ભૂલી જાઉં છું,
એમની જ્યારે ઝલક દેખાય છે.
વાત છો પરમાર્થની કરતો ફરે,
સ્વાર્થમાં માણસ ગરક દેખાય છે.
જિંદગીમાં દુખ ગમે તેવું હશે,
મોતની તોયે ફડક દેખાય છે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)