# KAVYOTSAV
ગઝલ...
સ્થાન છે તારું હૃદયમાં જોઇ લે,
દર્દ છે મારી ગઝલમાં જોઇ લે.
આંસુનો સાગર ભરી રાખ્યો છે મેં,
ના ભરોસો તો નયનમાં જોઇ લે.
છે નગર તારા વગર સૂનું હજી,
આવ તું મારા નગરમાં જોઇ લે.
કર ના ઘાયલ તું નયનનાં તીરથી,
સૌ થયા પાગલ શહરમાં જોઇ લે.
પ્રેમમાં હુંયે નથી પાગલ બન્યો,
તું ય છે મારી અસરમાં જોઈ લે.
આમ નાહક થાઉં ના બેભાન હું,
છે ઝહર તારા અધરમાં જોઇ લે.
રોજ ધબકે છે હદય 'ધબકાર'નું,
શક છે તો આવી કબરમાં જોઇ લે.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)