પાત્રતા પુરવાર હોવી જોઈએ,
હર દશા સ્વીકાર હોવી જોઈએ.
સોંસરો ઉતરી શકે ઊંડે સુધી,
શબ્દને પણ ધાર હોવી જોઈએ.
અર્થ અવળો થઇ શકે છે મૌનનો,
વાત વિગતવાર હોવી જોઈએ.
ઝાંઝવા ખળખળ નથી વહેતા કદી,
જાત મૂશળધાર હોવી જોઈએ.
હસ્તગત કઈ હોય કે ના હોય પણ,
લાગણી ચિક્કાર હોવી જોઈએ.
મૃત્યુને પણ મારવી અઘરી પડે,
જિંદગી ખુંખાર હોવી જોઈએ.