' ભીડમાં '
સૂમસામ છે બધુંય સંબંધોની ભીડમાં
આવ્યા ભલે બધાય પ્રસંગોની ભીડમાં
તરતા મૂક્યા હતા ધીરેક તારી યાદમાં
દીવા તણાઈ જાય તરંગોની ભીડમાં
એ સાથમાં હતી છતાંય ત્યાં હતી નહીં
દોરી મળે ન ક્યાંય પતંગોની ભીડમાં
શોધું છું શામળા તે સામે જ તો હતા
ખરચાઈ ગઈ ક્ષણો તો અભંગોની ભીડમાં
રસ્તોય આ રહ્યો ને ના દૂર મંઝિલો
અટવાઈ ગ્યા અમે તો સંતોની ભીડમાં
જે પામવાને માટે આપે કરી સફર
ખોવાઈ એ ક્ષણો જ પ્રબંધોની ભીડમાં
વણજો ગઝલનું પોત જરા ધ્યાન રાખીને
બદલાઈ જાય અર્થો શબ્દોની ભીડમાં
રડવું તજીને એનો કરો જશન
તમને મળ્યું છે શ્વેત જે રંગોની ભીડમાં