'વિશ્વાસ'
સવાર ના સમયે ગોપાલ પોતાની રિક્ષામાં એક પેસેન્જર બેસાડી અને પાલડીથી સી.જી.રોડ પહોંચ્યો. તે એ રોડ ઉપર જ શટલ લગાવતો. એ પેસેન્જરે સો રૂપિયાની નોટ કાઢીને ગોપાલ સામે ધરી. ગોપાલે કહ્યું : 'સાહેબ છુટ્ટા નથી. છુટ્ટા આપો.'
પેસેન્જર : 'મારી પાસે પણ છુટ્ટા નથી ભાઈ. તું તો રિક્ષાવાળો છે, તારી પાસે તો ખુલ્લા હોવા જોઈએ ને ?'
ગોપાલ : 'સાહેબ, હજુ મારો પહેલો ફેરો છે, બોની જ તમારા હાથે થાય છે.'
પેસેન્જર : 'તો હું શું કરું મારે મોડું થાય છે.'
ગોપાલ : 'સાહેબ તમે ઘણીવાર મારી જ રિક્ષામાં આવો છો, સાંજે મળશો ત્યારે હું તમને પૈસા પાછા આપી દઈશ.'
પેસેન્જર : 'ના, ભાઈ ના મને તારા ઉપર વિશ્વાસ નથી, અને તું મને ઓળખતો હોય તો તું જ પૈસા સાંજે લઈ લેજે ને...!!'
ગોપાલે કંઈપણ બોલ્યા વગર એ પેસેન્જરને એની સો રૂપિયાની નોટ પાછી આપી, અને 'ભલે' કહી પોતાની રિક્ષાને યુ ટર્ન લગાવી પેસેન્જર શોધવા ઊભો રહી ગયો.
@નીરવ પટેલ 'શ્યામ'