અઢળક શ્રધ્ધાળુઓથી તુ દિલથી પુજાયો છે
તું પથ્થરનાં ઘરમાં ને પથ્થરમાં શોધાયો છે
તને ખબર છે? તારા પુજકો તારો શું ભાવ આંકે છે
ભગવાન થઈ તું મુર્તીના ભાવે ખરીદાયો છે.
કેટલી ખોટી ઘટનાં ઘટે છે આ ધરતી પર
તું ક્યાં કદીય એકેય દી અહિંયા ડોકાયો છે?
મારી જેમ તનેય દુરના ચશ્મા લાગે છે
આટલું અણગમુ થવા છતાં તું આભમાં રોકાયો છે
તું જોવે છે? અનુભવે છે? આ બધું કે અજાણ છે
કે આ કળિયુગથી કળિયુગમાં તું ખુદ મુંઝાયો છે
અસ્તિત્વ હોય ને સમય મળે તો આવજે અહીં
પછી એમ નાં કેતો તને અજાણ રખાયો છે