ક્યારેક અમારે બેંક ઓફ બરોડા માં ઓફિસરોએ ભીડ હોય ત્યારે ક્લાર્કનું કામ કરી લેવું પડતું. એ વખતના યુનિક ચેરમેને એને ફ્લેક્સી કાઉન્ટર નામ આપેલું. એમાં કેશ પણ લીધી છે. ઓફિસરોને ફ્લેક્સી કાઉન્ટર કરવા કહીએ તો જલ્દી માનતા નહીં. કોઈ કડકાઈ બતાવી જ નહીં, કરી પણ જાણે એવા ચીફ કે સિનિયર મેનેજરો કરાવી શકતા. પણ ક્લાર્કનું કામ પોતાના કામ સાથે કરવું સહુને ખૂંચતું.
આજે એ જ મારી બેંક ઓફ બરોડામાં ગયો, ફિક્સ રિન્યુ કરાવવા. કંઈક પૂછ્યું તો કાઉન્ટર પર બેઠેલી કન્યાએ હિન્દીમાં જવાબ આપ્યો. એના ઉચ્ચારો પણ હિન્દીભાષી જેવા હતા. મેં પૂછ્યું કે એ ગુજરાત બહાર થી છે? કહે હા. મેં કેડર પૂછી કેમ કે ક્લાર્કસ ને મોટે ભાગે તેમના સ્ટેટ માં જ પોસ્ટિંગ મળે છે. એ કહે ડાયરેક્ટ ઑફિસર ઓન પ્રોબેશન .
હવે પ્રોબ.ઓફિસરે સુપરવાઈઝરી કામ કરતા જવાનું ને શીખતા જવાનું એવું નથી. એને અમુક વખત કાઉન્ટર પર ક્લાર્ક તરીકે જ બેસાડે છે અને એનું કોઈ જુનિયર, JM I નો ઓફિસર ચેક કરતો હોય.
બિચારા હવે તો એન્જિનિયરો , MBA બેન્કમાં ખાસ્સી અઘરી પરીક્ષા પાસ કરી ઓફિસર બને છે એને કાઉન્ટર પર ફિક્સ કોમ્પ્યુટરમાં જોઈ રેટ અને મુદત લખવાના, પાસબુક ભરવાની, એકાઉન્ટ ફોર્મ માં ફોટા લગાવી અમુક ભરવાનું, કેશિયર તરીકે કેશ લઈ મશીનમાં ફરર ફેરવી રિંગ બાંધવાની , એવાં ઘણાં ક્લેરિકલ કામ કરવાં પડે છે, પોતાના કામ સાથે. આ કન્યા મારી ફિક્સ રિન્યુ કરવા સાથે કોઈને મેન્ટેનન્સ માટે પૈસા મોકલવા હોય તો દાદા દાદી ન ચાલે કે એવો લીગલ પોઇન્ટ પણ સમજાવતી હતી, કોઈને બોબ કાર્ડ માટે અમુક માણસ પાસે આઇટી રિટર્ન વગેરે લઈ જવા સમજાવતી હતી. ઓફિસર સાથે ક્લાર્ક નું કામ. કહે 3 મહિના આ રીતે કરવું પડશે.
ગ્રાઉન્ડ રિયાલિટી થી તૈયાર થઈ જાય પણ આમ એમબીએ ને કાઉન્ટર પર બેસી કોમ્પ્યુટરમાં એન્ટ્રી નાખતો જોઈ કશુંક અજુગતું ન લાગે?
(Contingency માં ઠીક પણ સતત એ ક્લાર્ક નું કામ કરે એ ઠીક નથી લાગતું. બાકી કોઈ કામ નાનું નથી. પણ તમે જે મહેનત કરી અમુક અધિકારી માટેના જ કામ કરવા પસંદ થયા છો એને બદલે છેક દૂરથી પોસ્ટિંગ લઈ આવી આ કામ કરાવવાનું?) આ કન્યા રાજસ્થાન ની દિલ્હી તરફની બોર્ડર ના ટાઉન થી આવતી હતી.
આજે ફિક્સ પાછળ નવી પાક્યા તારીખ લખીને કવરમાં આપતી કન્યા વીસેક વર્ષમાં ઇન્દ્રા નુયી , માધવી પુરી બુચ કે અરુંધતી ભટ્ટાચાર્ય (ex ચેરમેન, sbi) બને એવી શુભેચ્છાઓ.