પ્રકરણઃ ૨૧. “ રાજીનામું ”
હું લંડનમાં હતો અને ત્યારે લેબર પાટીનું શાસન હતું. વિલ્સન પ્રધાનમંત્રી હતા. તેમનું માન-પાન સારું હતું. કુશળ મુત્સદ્દી તરીકે વિરોધપક્ષો પણ તેમને સન્માનતા. ભારત પ્રત્યે લેબર પાર્ટીનું વલણ હમેશાં અનુકૂળ રહ્યું છે. તેમાં પણ વિલ્સનનું વલણ વધુ અનુકૂળ હતુ.
કોઈ ખાસ કારણ વિના એક દિવસ તેમણે પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દીધું. સૌને આંચકો લાગ્યો. ટી.વી.ના ઇન્ટરવ્યૂમાં તે પૂર્ણ સ્વસ્થ, ગંભીર અને પ્રસન્ન દેખાતા હતા. રાજીનામાના કારણ માટે પૂછનારને તે સમજાવી રહ્યા હતા : “ હું હવે વૃદ્ધ થયા છું (જોકે આપણા વૃદ્ધો આગળ તો તે યુવાન જ હતા ). યુવાનો માટે મારે જગ્યા કરવી જોઈએ. મેં યથામતિ અને શક્તિ શાસન કર્યું, હવે મારે નિવૃત્ત થવુ જોઈ એ. બ્રિટનમાં અસંખ્ય ચેાગ્ય માણસો પડયા છે. મારી કશી જ ખોટ પડવાની નથી, મારી ન પુરાય તેવી ખોટ પડી જાય તો
તે મારી જ નાલેશી ગણાય, કારણ કે મેં કોઈને યોગ્ય થવા ન દીધા હોય ત્યારે જ આવું બને. પણ મને સ્પષ્ટ દેખાય છે કે યોગ્ય વ્યક્તિઓથી ઊભરાઈ રહેલો દેશ છે. મારા કરતાં પણ સવાયા માણસો અહીં વસે છે. ’’
કશા જ આક્ષેપ-વિક્ષેપ વિના નિવૃત્ત થતા પ્રધાનમંત્રીની નાભિમાંથી નીકળતા શબ્દો તેની ગરિમાને પ્રગટાવી રહ્યા હતા. ખરેખર તે છૂટા થઈ જ ગયા. તરત જ તેમણે સરકારી નિવાસસ્થાન છેડી દીધું. ચોથા કે પાંચમા દિવસે સમાચારપત્રમાં એક ચિત્ર આવ્યું, જેમાં કોઈ દુકાનમાં સામાન્ય ગ્રાહકોની સાથે વિલ્સન કાંઈક ખરીદી રહ્યા છે. ખુરશી વિના પણ તે એટલા જ તેજસ્વી લાગતા હતા.
હું વિચારું છું : આપણે ત્યાં આવાં રાજીનામાં આપનારા કેમ નથી નીકળતા ? ગીતા અને રામાયણની વાતો કરનારા અને અનાસક્તિની દુહાઈ દેનારા પણ ખુરશી ઉપરથી ખસી જવાના સમયે કેમ ખસી નથી શકતા ? કાં તો પછી તેમના પગ પકડીને ખસેડવા પડે છે કાં તો પછી અસંખ્ય નવલેાહિયા યુવાનોના માથાં વધેરવાં પડે છે. સમ ખાવા માટે એક લાલબહાદુર શાસ્ત્રી નીકળ્યા હતા. પણ પછી તે ખુરશી ઉપરનું ગુંદરનું પડ વધુ ને વધુ મોટું થતું ગયું છે. એક વાર ચોંટ્યા પછી ઊખડતું
નથી. જોર કરીને ઉખેડી ફેંક્યા પછી તે વ્યક્તિ તરત જ
નિસ્તેજ કે થઈ જાય છે? ખુરશી વિના તેનું પેાતાનું
કોઈ વ્યક્તિત્વ જ નથી હેાતું શું?
ગીતાના અનાસક્તિ યાગ આપણને કોઠે પડી ગયો
લાગે છે!!
-સ્વામી સચ્ચિદાનંદજી
- Umakant