Gujarati Poem - વિડંબના - by Vanita Thakkar | Thinking about Life
https://youtube.com/shorts/HPVkcHUMMMk?feature=share
વિડંબના
એવાં કઈંક પ્રશ્નો ઊઠે, ક્યારેક અંતરમાં,
દુર્લભ આ જીવનમાં, આ કેવી વિડંબના ??!!
બોલીને ના બગાડવું, ચાતુરી શાણપણ,
રાગ-દ્વેષ-મદ-મોહથી ઉભરાતું જે મન,
ક્યાં, કેવી, કેટલી સમાય એમાં સદ્ભાવના ?
દુર્લભ આ જીવનમાં, આ કેવી વિડંબના ??!!
સાચું લાગે માઠું, કહેવું, સહેવું કે ચુપકીદી,
શબ્દોની ચલકચલાણી, અર્થોની સંતાકૂકડી,
સત્યનાં નામે કજીયાતી, આ કેવી ભ્રમણા ?
દુર્લભ આ જીવનમાં, આ કેવી વિડંબના ??!!
વિચાર-વાણી-કર્મ થઇને જ રહે ઉજાગર,
સત્ય દીપી ઊઠે, ભેદી બનાવટોનાં થર,
કક્કો ખરો કરવાં, તોય મંડી રહે જડતા ??!!
દુર્લભ આ જીવનની, આ કેવી વિડંબના ??!!
- વનિતા ઠક્કર (૧૩-૧૧-૨૦૨૪) ©️®️