ધર્મ, એમાં પણ હિન્દુ ધર્મ આપણાં લોહીમાં વણાઈ ગયો છે. આપણે સહુ ધાર્મિક છીએ, એની માત્ર વધુ ઓછી આપણા સંજોગો અને શ્રધ્ધા મુજબ હોઈ શકે. કોઈ રોજ મંદિર જાય, કોઈ એક પાઠ નિત્ય કરે એટલે કરે જેમ કે વિષ્ણુ સહસ્ત્ર નામ.
પૂજાવિધિ અને ઉપવાસ વગેરેમાં પણ આપણા લોકોમાં વિવિધતા જોવા મળે છે.
સમયેસમયે એમાં પણ ઘણાં પરિવર્તનો આવ્યાં છે અને આવતાં રહે છે, રહેશે.
યાદ છે? એક વખત ગીતાજીના પ્રચારનો જુવાળ ઉમટેલો. દરેક નાના મોટા આશ્રમ કે જાહેર જગ્યાએ ગીતા પ્રવચનો યોજાતાં અને ખૂબ લોકો હાજરી આપતા. કોઈએ ગતકડું કાઢ્યું ઘેર ઘેર ગીતા પહોંચતી કરવા આપણને સાગમટે વીસેક કોપી ખરીદાવવાનું. પછી લોકો જે આવે એને ગીતાનું પુસ્તક આપતા.
મને યાદ છે, નવરંગ સ્કૂલ સર્કલ પાસેથી રાતે ઑફિસેથી ઘેર આવતો ત્યારે શિક્ષકોને એવા લોકો સર્કલ પાસે હાથ કરી સ્કૂટર ઊભું રખાવી ગીતા લેવાગ્રહ કરતા. બિચારાને પોતાની એક કોપી ઉપરાંત ઓગણીસ કોપી વધી હોય એ નાખે ક્યાં?
પછી ઓચિંતું, 1999 થી એક દસકો ગાયત્રીનું ચાલ્યું. જ્યાં ગીતાપાઠ થતા ત્યાં હવે પીળાં વસ્ત્રો પહેરી પુરુષ સ્ત્રીઓ ગાયત્રી હવનો કરતી. લોકો વાસ્તુ વખતે પણ ગાયત્રી પાઠ રાખતા એમાં હું પણ આવી ગયો.
નાની મોટી ગાયત્રી સાધના વિધિઓ, એની બુક્સ વેંચતા સ્ટોલ પર પુસ્તકમેળામાં ભીડ દેખાતી.
ગાયત્રી સાધના દ્વારા મળતી ભૌતિક સિદ્ધિઓની વાત કાનોકાન ફેલાવા લાગી અને ઘેર ઘેર બેલ મારી ગાયત્રી માળા, બુક, કેલેન્ડર વગેરે વેચતી, સાથે રોજ ગાયત્રી મંત્ર અમુક વિધિ સાથે કરવા સમજાવતી ટીમો ફરવા લાગેલી.
આ ફોટો મારાં જૂના ઘર પાસે પારસનગરનાં ગ્રાઉન્ડમાં લાગેલ ગાયત્રી મેળામાંથી એ વખતે માત્ર કદાચ 5 રૂ. માં લીધેલી છબીનો છે. આશરે 2002 માં.
હવે રોજ નહાઈને પહેલાં આ છબી સામે ગાયત્રી પાઠ કરું છું.
પણ હવે એ ગીતાજી પ્રવચનો, ગાયત્રી યજ્ઞો એ બધું એકદમ ઓછું થઈ ગયું દેખાય છે.ખાસ દેખાતું નથી.
વચ્ચે સત્યનારાયણ કથા અને રાજસ્થાનથી આયાત કરેલ સુંદરકાંડ પાઠ વચ્ચે હરીફાઈ જામેલી પણ સુંદરકાંડ ઉત્તર ભારતીયો સિવાય અહીં લાંબો ચાલ્યો નહીં.
મને લોકો ગાયત્રી યજ્ઞો કરાવતા એ યાદ છે. સુંદરકાંડ પણ યાદ છે.
હવે નવી પેઢીની ધાર્મિક માન્યતાઓ બદલી ગઈ છે. શ્રદ્ધા તો છે પણ સમય નથી. છતાં જ્યાં સુધી શ્રધ્ધા છે ત્યાં સુધી ધર્મ જીવિત રહેશે.
કાલે એમેઝોન પર નવી નક્કોર હવન કુંડીની જાહેરાત પણ જોયેલી.
ખેર, આજે તો મનોમન ગાયત્રી મંત્ર બોલી આ છબી નાં દર્શન કરો.