🙏🙏આ લાગણીઓ પૂર જેવી હોય છે બસ!વહેવાનું જાણે છે.
હા; પણ એ વાત ખબર છે કે કોઈ સમજનાર તેને અવરોધી રોકે તો આ પૂર તેને આખે આખો ભીંજવી દે! તનમન સાથે આત્મા ની ભીતરમાં પણ તેનાં પૂરનાં પાણી સ્પર્શી જાય.આ લાગણીઓનું એવું જ છે.
આ લાગણીઓ ને જો લતા સ્વરૂપે જુઓ તો તેને યોગ્ય ટેકો મળી જાય તો તે ત્યાં જ વિંટળાઈ ને લચી પડે છે જે બાજું સ્નેહનો પવન એ બાજુ લહેરાઈ છે.
ખરેખર આ લાગણીઓથી કોઈને પાગલ થતાં જોયા છે અને હા એક વાત કહું આ જ લાગણીઓથી પાગલ ને સાજાં થતાં જોયા છે ગજબ છે ને? તમને થતું હશે, કે દર્દ દવા પણ બને છે અને દવા દર્દ પણ બને છે.એ જ તો આ લાગણીઓની કમાલ છે.
આ લાગણીઓનાં પણ અલગ અલગ સ્વરૂપ હોય છે.કોઈ મમતા સ્વરૂપે, કોઈ ભક્તિ સ્વરૂપે, કે કોઈ ઘેલછા સ્વરૂપે રહેલી હોય છે.હા એક વાત લાગણીના દરેક સ્વરૂપમાં પ્રણયનું તત્વ એટલે કે સ્નેહનું તત્વ અવશ્ય સમાયેલું હોય છે.
જો લાગણીઓમાં પ્રેમની લાગણી શ્રેષ્ટ છે તેની અભિલાષા ભલભલા વ્યકિતઓને 'લૈલા મજનું' કે 'સિદ્દી ફરહાદ' કે પછી સોની મહેવાલ બનાવી દે છે.
આ પ્રણયની લાગણી સંગેમરમર માંથી તાજમહલ પણ બનાવી દે છે. તો અડગ અઠંગ બની ઉભેલા પર્વતને પણ તોડી કાઢવા સમર્થ છે.
એક વખત જો "ભકિતની" લાગણી ની લગન જેના પ્રત્યે લાગી તો રાજમહેલ નો વૈભવ છોડી મીરાં બની જવાય છે.હા જો હોય લાગણીમાં તીવ્રતા તો પછી ખુદ ભગવાને પણ કોઈપણ સ્વરૂપે મદદે આવવું પડે છે નરસૈયાની લાજ એમ જ થોડી જગત નો નાથ રાખવા આવતો હતો. એ પણ ક્યાં લાગણી થી છૂટો હતો તે પણ બંધાયેલો જ હતો.
તેની પકડ ત્વરિત કદી છૂટે નહીં. લાગણી ની પકડ ખુબ જ મજબૂત હોય છે બસ તેને પકડનાર છોડે નહીં ત્યાં સુધી છુટે નહીં.
એક વાત છે આ લાગણીઓની જેની સાથે મળે તેની સાથે ભળે આમ તો તદ્દન પાણી જેવી સાફ , સુંદર અને નિર્મળ છે.ખરેખર લાગણીઓ સમજો તો સમજવા જેવી છે.🦚🦚