“सत्य मेव जयते”
મધુભાઈ અને સુમંતભાઈ બંને જીગરી ભાઈબંધો હતા. નાનપણથી સાથે રમ્યાં, સાથે ભણ્યાં અને એક થાળીમાં જમ્યાં. મધુભાઈ શ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા, જ્યારે સુમંતભાઈ એક સામાન્ય કુટુંબમાં. બંને મિત્રોને એકબીજા પ્રત્યે સગા ભાઈથી પણ વિશેષ પ્રેમ હતો. મધુભાઈ એક કુશળ વેપારી હતા. વ્યાપારી વર્તુળમાં તેમની એક શાખ હતી. મધુભાઈના પિતાનો એક જામેલો વ્યવસાય હતો. મધુભાઈના પિતાના અવસાન બાદ વેપાર અને ઓફિસ સંભાળવાની જવાબદારી મધુભાઈના હાથમાં આવી. વેપારનું કૌશલ્ય તો મધુભાઈના લોહીમાં હતું. મિત્રતાની રૂએ મધુભાઈએ સુમંતભાઈને પોતાની સાથે પોતાના વ્યાપારમાં આગ્રહ પૂર્વક જોડ્યા.
મધુભાઈનું વેપાર કૌશલ્ય અને સુમંતભાઈની નિષ્ઠાને કારણે વેપાર પૂરજોશમાં વધવા લાગ્યો. માત્ર ૨૨ વર્ષના ગાળામાં તેમની કંપની એક સામાન્ય કંપનીમાંથી ભારતની શ્રેષ્ઠ કંપનીઓમાંની એક બની ગઈ. આ સફરમાં સુમંતભાઈનો ફાળો પણ નાનોસૂનો નહોતો. સુમંતભાઈ મધુભાઈનો જમણો હાથ ગણાતા. મધુભાઈને કોઈ સંતાન નહોતું. હેમંત સુમંતભાઈનો એક નો એક પુત્ર હતો. નાનપણથી જ હેમંત ગુમાની અને સ્વચ્છંદી હતો. સુમંતભાઈ નરમ સ્વભાવના હતા અને એકનું એક સંતાન હોવાથી નાનપણથી તેની દરેક જીદ સંતોષવામાં તેમને પોતાનો પિતાપ્રેમ છલકતો દેખાતો. બીજી તરફ હેમંત વધુને વધુ મનસ્વી અને ઉદ્ધત બનતો જતો હતો.
હેમંતને એમ.બી.એ નો અભ્યાસ પૂરો થયા બાદ મધુભાઈની સંમતિથી કંપનીમાં ઊંચી પદવી પર રાખવામાં આવ્યો. સુમંતભાઈની નમ્રતાથી વિરુદ્ધ હેમંત ખૂબ જ અભિમાની અને ગર્વિષ્ઠ વર્તનવાળો હતો. સુમંતભાઈ આંખ આડા કાન કરતા અને ધીમે ધીમે કંપનીના ઘણા અગત્યના નિર્ણયોમાં હેમંતને તેના અભ્યાસ અને લાયકાતના કારણે સામેલ કરવા લાગ્યા. હેમંતની મહત્વકાંક્ષા પણ દિવસે દિવસે વધતી ગઈ.
બે વર્ષ બાદ એવું બન્યું કે બે ત્રણ વખત આંતરરાષ્ટ્રીય વ્યાપાર નાની રકમના અંતરે કંપનીના હાથમાંથી જતા રહ્યા. અમુક વ્યવહારમાં શંકાસ્પદ નિર્ણયોને કારણે મોટી લેવડ-દેવડમાં કંપનીને ખૂબ મોટું આર્થિક નુકસાન સાંપડ્યું અને તેનાથી પણ વધુ કંપનીની પ્રતિષ્ઠા અને શાખ ખરડાઈ. અત્યાર સુધી આ બધા નિર્ણયો અને વ્યવહારો સુમંતભાઈ પોતે સંભાળતા. મધુભાઈના માર્ગદર્શનમાં આ નિર્ણયો તેઓ લેતાં પરંતુ આ બધા નિર્ણયો સંપૂર્ણ ગોપનીય રહેતાં. તેમના બે સિવાય આ અગત્યના નિર્ણયોમાં કોઈને સામેલ કરાતું નહીં. હવે પ્રશ્ન એ આવ્યો કે આવા ગોપનીય નિર્ણયોની માહિતીના લીક થયા વગર કંપનીને આટલા મોટા આર્થિક નુકસાન કઈ રીતે થઈ શકે?
સૌથી પહેલી શંકાની સોય સુમંતભાઈ તરફ તાકવામાં આવી. મધુભાઈને પોતાના ભાઈ જેવા વિશ્વાસુ મિત્ર ઉપર પૂરો ભરોસો હતો પરંતુ બનતી જતી ગંભીર ઘટનાઓ પ્રત્યે આંખમિચામણા થાય એમ નહોતું. બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગમાં નિર્ણય લેવાયો કે સુમંતભાઈ પાસેથી આ જવાબદારી પાછી ખેંચી લેવામાં આવે. સુમંતભાઈએ આપેલા ખુલાસાઓ પાંગળા પુરવાર થયાં. સુમંતભાઈ આ આઘાત સહન કરી શકે તેમ નહોતા. તેમને માટે સત્યનાં પારખાં કરવાનો સમય આવ્યો. તેમણે સત્ય શોધી કાઢવાનો નિર્ણય લીધો. તેમની ગોપનીય દરેક ફાઈલો અને મેલબોક્સ ધરમૂળથી ચકાસી ગયા ત્યારે તેમની સામે એક આઘાતજનક તથ્ય આવ્યું. તેમની આ બધી ગોપનીય માહિતીઓ અને નિર્ણયો લીક કરવામાં તેમના જ પુત્ર હેમંતનો હાથ હતો. પુત્રે તેમનો વિશ્વાસભંગ કરી તેમની પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી દીધી હતી.
બીજે જ દિવસે હેમંતની કંપનીમાંથી બરતરફીનો હુકમ કર્યો અને ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટરની તાત્કાલિક મિટિંગ બોલાવીને પોતાની નિર્દોષતાનો પુરાવો આપ્યા વગર જ રાજીનામું આપી દીધું અને મધુભાઈ સામે નતમસ્તક થઈ બે હાથ જોડીને કંપનીમાંથી વિદાય લીધી. સત્યનાં પારખાં સાચે જ મિત્રતાને ભરખી ગયાં.
સૌજન્ય:-
✍️ નિખિલ કિનારીવાળા, અમદાવાદ
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪
- Umakant