તૈત્તિરીયોપનિષદ
શીક્ષાવલ્લી
भूरिति वा ऋचः। भुव इति सामानि। सुवरिति यजूँषि। मह इति ब्रह्म। ब्रह्मणा वाव सर्वे वेदा महीयन्ते।।૧.૫.૩॥
અન્વયાર્થ: भूः ભૂ: इति એ वै જ ऋचः ઋગ્વેદની ઋચાઓ છે; भुवः ભુવ: इति એ सामानि સામવેદના મંત્રો છે; सुवः સુવ: इति એ यजूंषि યજુર્વેદના મંત્રો છે અને महः મહ: इति એ ब्रह्म બ્રહ્મ છે. ब्रह्मणा બ્રહ્મવડે वाव જ सर्वे બધા वेदाः વેદો महीयन्ते મહિમાન્વિત બને છે.
અનુવાદ: ભૂ: એ જ ઋગ્વેદની ઋચાઓ છે; ભુવ: એ સામવેદના મંત્રો છે; સુવ: એ યજુર્વેદના મંત્રો છે અને મહ: એ બ્રહ્મ છે. બ્રહ્મવડે જ બધા વેદો મહિમાન્વિત બને છે.
ભાષ્ય: જાણવાનાં કે અનુભવવાનાં કોઈપણ તત્ત્વનું જ્ઞાન શબ્દ અને અર્થયુક્ત જ હોવાથી, વ્યાહૃતિ, જેમાં જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થયો છે, તેનો સમાવેશ શીક્ષાવલ્લીમાં જ કરવામાં આવ્યો છે.
પ્રસ્તુત મંત્રમાં ભૂ: એ ઋગ્વેદનો પરોક્ષ નિર્દેશ કરે છે; ભુવ: એ સામવેદનો નિર્દેશ કરે છે; સુવ: યજુર્વેદનો નિર્દેશ કરે છે અને ચતુર્થ વ્યાહૃતિ, મહ: બ્રહ્મ કે આત્માનો નિર્દેશ કરે છે. ઋષિ મહાચમસે જેનું સૌપ્રથમ દર્શન કર્યું હતું, તે ચતુર્થ વ્યાહૃતિ મહ: (આત્મા)નું જ્ઞાન જ ત્રણેય વેદનાં જ્ઞાનને મહિમાવાન બનાવે છે. આ મહ: (આત્મા) જ્યાં સુધી ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદમાં નહિં અનુભવાય, ત્યાં સુધી વેદો સાર્થક નહિં બને. યોગેશ્વર કૃષ્ણે ગીતામાં આનો ઈશારો કરતાં કહ્યું છે:
त्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन।
निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान्।।2.45।।
અર્થાત્ હે અર્જુન, બધા વેદો ત્રિગુણાત્મક છે, તેથી તું દ્વન્દ્વરહિત, નિત્ય સત્વશીલ અને આત્મવાન બન. આત્મવાન્ સ્થિતિ એ જ ચોથી વ્યાહૃતિ મહ: છે. આત્મા જ સૂત્રરૂપે બધા જીવોને જોડી રહ્યો છે. આદિ, મધ્ય અને અંત પણ તે જ છે. તેની મહત્તામાં જ બધાં દેવો મહત્તા પામે છે. આમ આ ત્રણેય વ્યાહૃતિઓને જે મહ:થી વ્યાપ્ત જુએ છે, તે જ સત્યને હસ્તામલકવત્ જોઈ શકે છે; તે જ હવે પછી આવતાં બ્રહ્મતત્ત્વનાં જ્ઞાનમાટે સજ્જ છે, તેમ સમજવું. એમ પણ કહી શકાય કે ભૂ: (ઋગ્વેદ), ભુવ: (સામવેદ) અને સુવ: (યજુર્વેદ) આ ત્રણેય વ્યાહૃતિઓ મહ: (બ્રહ્મ)નો જ આત્મવિસ્તાર છે.
ડો. મહિમનસિંહ ગોહિલ
Boston, USA
૮.૮.૨૦૨૪
- Umakant