ઝાકળ રાણી બેઠી રૂસણે
ઝાકળ રાણી બેઠી રૂસણે
સુરજથી રીસાઈને
ઓઢી ભુરી સાડી ધુમ્મસની
મુખડું ઘૂમટે છુપાવીને.
વાદળ અટારીએ ડોકીયું દેતો
સુરજ તેને મનાવવાને
બતાવી ચૂંદડી ગુલાબ કેરી
ન ચાલ્યું તેનું પ્રિયા રીઝાવવાને
કહે સુરજ હું અનેક દેખાઉં
તારાં અંતર માંહેથી
ઓસબિંદુઓમાં થઈ પ્રતિબિંબ
હાસ કરું હું સામેથી
ભલે રીસાઈ તું ફેરવી પીઠ પણ
જોઈએ હૂંફ તને મારી મનોમન
આવ સમાઈ જા મારી અંદર
થિરકતું મને મળવા તારું શીત તન
હળવે ઘૂંઘટ ખોલું તારો
કિરણ કેરા હાથેથી
બાંધું વેણી ઓસબિંદુ
મોતીની તારે માથેથી.
માની ઝાકળ રાણી આખરે
પિયુ સૂરજને શરણે ગઈ
ગાલ ગુલાબી સોનેરી સાળુ
શોભી પિયુના ભવને જઈ.
***