પિતા 🥵
કેમ સમજતા નથી તમે ને
કેમ પૂછો છો વારે વારે
બધું જાણીને શું કરવું છે?
અંગત કૈં ના હોય અમારે?
કેટલીવાક કહ્યું છે,
તમને એમાં સમજ ના પડે .
હીંચકે એકલાં એકલાં પપ્પા વગર આંસુએ રડે
ઉંમર થઇ છે તોય રજીને,
પંચાતો ક્યાં સુઝે?
બે બે કપ તમે ચા ઠપકારો
તોય તરસ ના બૂઝે?
કેટલીવાર કહ્યું છે
તમને આટલી ચા તો નડે?
પપ્પા હીંચકે એકલાં એકલાં વગર આંસુએ રડે
સવાર પડતાં છાપું રોકી
બેસી રહો છો રોજ
ફેર પડે શું તમને, છાપું
બપોરે વાંચો તોય ?
કેટલી વાર કહ્યું છે
હાથ ન લૂછો છાપા વડે !
હીંચકે એકલા એકલા પપ્પા વગર આંસુએ રડે .
યાદ રાખીને દવા ન લ્યો
પછી માંદા પડશો ત્યારે?
કામકાજ પડતું મુકીને
દોડવું પડે અમારે!
કેટલીવાર કહ્યું છે
તમને ફેર કોઇ ના પડે
હીંચકે એકલાં એકલાં પપ્પા વગર આંસુએ રડે
મંદિર કેરે બાંકડે શોભો
શોભો નહીં બગીચે
માળા ફેરવો મૂર્તિ સામે
પત્તા તે કોઇ ટીચે?
કેટલીવાર કહ્યું છે તમને
તોય કશું ના અડે ?
હીંચકે એકલાં એકલાં બેસી પપ્પા વગર આંસુએ રડે.
આજે રસોઇમાં બનાવ્યું છે શું?
એ જાણી શું કરશો
ચાવી પચાવી શકો નહીં તમે
પેટ ઝાલીને ફરશો
કેટલીવાર કહ્યું છે તમને
છોકરાં છો કે લડે ?
હીંચકે એકલાં એકલાં પપ્પા વગર આંસુંએ રડે.
હીંચકો અને પપ્પા બંનનેની
હાલત એક જ જેવી
સતત ચાલતાં તોયે ગતિ ના
જીંદગી આ તે કેવી !
છતાં કોઇને કદી કહ્યું નહીં કડવા શબ્દો વડે.
હીંચકે એકલાં એકલા પપ્પાવગર આંસુંએ રડે .
……..તુષાર શુક્લ.
🥵🙏