આ ઊંમર તો આવી પહોંચી
કેટલાય કામો કરવાં બાકી છે.
આ કેશ થયાં સૌ ચાંદીનાં
મનને સોનાનું કરવું બાકી છે….૧
જરા મહેંકી લઉં હું પૃથ્વીથી
થોડા તારાં ગણવા બાકી છે.
આ વૃક્ષોને પાણી દઉં દઇ,
પેલાં પંખીને ચણ બાકી છે……૨
ગીતો મસ્તીના ખૂબ ગાયાં
થોડી પ્રાર્થનાઓ હજુ બાકી છે,
મારાં સૌને મેં બહુ ચાહ્યા
જગને ચાહવાનું બાકી છે……૩
બસ બહુ જાણ્યાં જીવે સૌને
ખુદને ઓળખવું બાકી છે.
કહે છે ખાલી હાથે જવાનું છે,
બસ ખાલી થવું બાકી છે……૪