ગાંધીનગર જન ફરિયાદ માં છપાયેલ માઈક્રોફીક્શન
દરિયો
સવિને આટલો ડર તો દાક્તરે જ્યારે એમ કીધું કે તમને ફેફસાંનું કેન્સર છે ત્યારેય ન' તો લાગ્યો.જ્યારે સાત દી'ની મંજુને મુકીને મનજી મોટા ગામતરે ગ્યો ત્યારેય નહીં.
મંજુને મા પાસે ભળાવી ત્રણ મહીનાં સરકારી દવાખાને રહીને આવી.એનાં પગરવથી જ મંજુ એને ઓળખી ગઈ અને તાળી પાળીને હાથ ફેલાવી એને ગોતવા લાગી.
મંજુએ એને હૈયાસરસી ચાંપી ,. ત્યાં એને મંજુનાં પીળા સલવારમાં લાલ ડાઘ જોયો.એનાં બારમાં જન્મદિવસ પર સીવડાવેલો એ સલવાર સુટ.એ ડાઘ એની છાતીમાં સૂળ બની ભોંકાયો.
એ ડરી ગઈ , હું તો વધીને બે વરસ પછી..મા પણ કેટલાં દા'ડા આ મારી મંજુને કોણ સાચવશે ! એની એકલીની શી દશા થશે.. ચાલીમાં ઘણાંની નજર એનાં પર છે એકલી હશે ત્યારે તો!
એ અબુધને પોતાની ક્યાં ભાન છે .એમાંય અંધારું જ એની દુનિયા .અત્યારે તો હું જ એની આંખ મારાં પછી....
સવારે એ કંઈક નિર્ણય કરી ને મંજુને લઈને ઘરની બાર નીકળી. " ચાલ તને દરીયે ફરવાં લઈ જઉં.
મંજુ રસ્તામાં પુછતી હતી માં દરીયો કેવડો હોય?બવ( બહું ) મોટો હોય?
સવિ બોલી" હા બેટાં આપણે આખાં ને આંખાય સમાય જાયે(જઈએ) એવડો હોય.
ડો.ચાંદની અગ્રાવત