વસિયતનામું
વારસો
પરંપરાગત રિતે અપાતી જણસ
એમાં હું..
શું આપીશ વારસામાં તને..?
થોડી ડાયરીઓ..
કાચી પાકી કવિતાઓ..
ઉતાવળે પકવેલી ગઝલો...
થોડા ગદ્ય કાવ્યો
કે અછાંદસ કાવ્યો..
થોડી એમ એફ..
કેટલીક લઘુકથાઓ
અધૂરી નવલકથા
અર્ધ લખાયેલ અસંખ્ય રચનાઓ..
શબ્દોનો અઢળક ખજાનો
પણ
એમાં તને અત્યારેય રસ નથી
આ બધું તો રદ્દી લાગે હે.. ને?
તો ...
શું આપું તને..?
આવ થોડો સમય સાથે વિતાવીએ..
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની આ પળો..
ચાહ ને ચાહત સાથે
માત્ર તારી વાતો
બસ
મૌન ઘરી માત્ર સાંભળીશ..
એ પળો તું તારી યાદોમાં અકબંધ સાચવજે..
જયારે મુંઝાય
તકલીફ પડે રસ્તો ન મળે..
બસ ત્યારે
યાદોનું પોટલું ખોલજે
એક એક ક્ષણ સાચવીને સંભારજે..
અને જો ચિંતાની લકીરો
હાસ્યમાં પલટાય ...
તો એ તને મળેલ સાચો વારસો..
બોલ કરું હસ્તાક્ષર?
મંજૂર આ વસિયતનામું...
તો લાવું સાક્ષી ..
ચાંદ ને સૂરજને
સૂર્યોદયના સોનેરી રશ્મિને
રાતની ચાંદનીને
આ પ્રકૃતિને
બોલને અઢળક સાક્ષી મળી જશે..
કરું ને હસ્તાક્ષર...?
"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૮/૧૧/૧૮