એક સંભારણું જડ્યું…
દિવાળીની સફાઈ કરતાં, ધુળ નીચે, આલ્બમ એક જડ્યું,
ક્યાંક ખોવાયેલું, પણ સચવાયેલું, સ્મરણ એક જડ્યું!
કિસ્સા અનેક બાળપણનાં, વાટ દોસ્તોની જોતાં રહ્યાં,
ચાર દીવાલોની વચ્ચે હસતું, ભોળપણ એક જડ્યું!
પાંખડીઓ ગુલાબની, મહેક પ્રસરાવી, સુકાઈ ગઈ,
ડાયરીનાં પાનાં વચ્ચે, વિસરાયેલી લાગણીનું, પાનું એક જડ્યું!
સિક્કાઓ ‘ને પરચૂરણનો, ગલ્લો ક્યાંકથી ડોકાયો,
અમીરીની બાંગ પોકારતું એવું, રજવાડું એક જડ્યું!
પરીકથાઓ ‘ને, વિક્રમ વેતાળ, ઓરડામાં ફરતાં રહ્યાં,
દાદા દાદી, ‘ને, નાના નાની ની વાર્તાઓનું, પોટલું એક જડ્યું!
કેટલીય અમુલ્ય પળો મળી, દટાયેલાં સમય તળે,
ખંખેરતાં ઉંમરની ધુળ, મહોરું “ચાહત”નું, પ્રેમાળ એક જડ્યું!!
💕ચાહત💕
(Neha Desai, NJ)
અભિનંદન
સુંદર રચના માટે
🙏🏻