ચાચર ચોકમાં રે
ગરબા ગઝલ
નોરતાની રાત, માડી આવ ચાચર ચોકમાં રે,
સાથ અંબા, ગૌરીને બોલાવ ચાચર ચોકમાં રે.
કાળકા સંગે બહુચર, ચંડી-ચામુંડા સહેલી,
માતા ગરબે ઘૂમવાને લાવ ચાચર ચોકમાં રે.
માત ગરબે ઘૂમતીને, આજ ગબ્બર ગોખ ભૂલી,
મૂલવે ભક્તિ તણા ત્યાં ભાવ ચાચર ચોકમાં રે.
રાત નવલી લાવતી મસ્તી અનેરી સૌ સંગાથે,
ત્યાં મળે મમતા તણી એ, છાવ ચાચર ચોકમાં રે.
ઢોલની થાપે રમે બાળા, રમે છે માવડીઓ,
સાંભળી છે બાળ તારી રાવ ચાચર ચોકમાં રે.
આજ રમઝટ જો જમાવી ખેલ ખેલે છે ભવાની,
આવકારો ખૂબ મીઠો જાવ ચાચર ચોકમાં રે.
જિંદગીના કારમા ઘા કેમ ભૂલું બોલ માડી?
માને ભજતાં ત્યાં રુઝાશે ઘાવ ચાચર ચોકમાં રે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ