પ્રિય મિત્રો નમસ્કાર જી.
આજે ૧૧મી ઓક્ટોબર એટલે કે સદીના મહાનાયક ફિલ્મી અભિનેતા બિગ બી-અર્થાત અમિતાભ હરિવંશરાય બચ્ચન ૮૧મો જન્મદિવસ છે."સહુ નો સાથ" પરિવાર તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ
અમિતાભ બચ્ચનનો જન્મ 11 ઓક્ટોબર 1942ના રોજ પ્રયાગરાજ (અલ્હાબાદ)માં થયો હતો, તેમનું બાળપણનું નામ ઇંકલાબ શ્રીવાસ્તવ હતું, તેમના પિતાનું નામ હરિવંશરાય બચ્ચન અને માતાનું નામ તેજી બચ્ચન હતું.અમિતાભ બચ્ચન એ એક એવું નામ છે કે જેમણે જીવનભર ભારતના હિન્દી સિનેમાની સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે,એમનું નામ જ એમનો પરિચય ચરિતાર્થ કરી આપે છે.૮૧ વર્ષનો પડાવ પાર કરશે. સમય બદલાયો. લોકો બદલાયા. રાજકારણ બદલાયું. આખી ને આખી સદી બદલાઈ ગઈ પણ ભારતમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા અતૂટ અને અકબંધ રહી છે. સિને વર્લ્ડમાં અમુલ પરિવર્તન આવ્યું પણ સિલ્વર સ્ક્રીનના શહેનશાહ તરીકે બચ્ચનનો જોટો આજે પણ જડવો મુશ્કેલ છે. અમિતાભનું કનેક્શન ભારતના લોકોનાં હાર્ટથી જોડાયેલું છે. બસ્સો ત્રણસો કરોડ ક્લબ બોક્સઓફિસનો પાવર તેના નામે નથી એ સ્વીકાર્ય બાબત છે પણ જગત આખામાં ૮૧ વર્ષે અનેક ફિલ્મોમાં લીડ રોલ કરનારા એકમાત્ર તેઓ છે. તેના દીકરા અભિષેક બચ્ચન કરતાં પણ વધુ ફિલ્મો તેની પાસે છે. ભારતીય સિનેમામાં અમિતાભ બચ્ચનનું મહત્ત્વ આંકતા ફ્રાન્સ ન્યૂ વૅવ સિનેમાના પ્રણેતા દિગ્દર્શક ફ્રાઁસ્વાએ કહેલું કે, ભારતીય સિનેમા વન મેન ઈન્ડસ્ટ્રી છે. વળી દુનિયાના એકમાત્ર એવો કલાકાર છે જેને ધ્યાનમાં રાખીને ફિલ્મકારો ફિલ્મની કથા લખતા અને લખે છે.
470 રૂપિયામાં કોલકાત્તાની બ્લેકર્સ કંપનીમાં નોકરીથી કરિયર ની શરૂઆત કરનારા અમિતાભ બચ્ચન ફિલ્મો અને ટેલિવિઝન વર્લ્ડના અણનમ યોદ્ધા છે. રિયાલિટી શૉ આવે અને જાય. ઘણા ચમકે અને ઘણા આથમી પણ જાય, પરંતુ અમિતાભ બચ્ચનના નેતૃત્વમાં કૌન બનેગા કરોડપતિની લોકપ્રિયતા એવી ને એવી જ અકબંધ છે.
સન્માનપ્રાપ્તિ: ૧૯૮૪ : પદ્મશ્રી , ૨૦૦૧:પદ્મ ભૂષણ, ૨૦૧૫:પદ્મ વિભૂષણ અને ૨૦૧૯:દાદા સાહેબ ફાળકે એવોર્ડ.
અભિનેતા તરીકેની નોંધનીય ફિલ્મો : આનંદ, ઝંઝીર, શોલે, દીવાર, ડોન, ફૂલી, અગ્નિપથ, બ્લેક, પા,ચીની કમ અને પીકુ. ઉપરાંત ઘણીબધી. તેઓશ્રીની ફિલ્મી કારકિર્દીને ચમકાવવામાં પ્રકાશ મેહરા, લેખક સલીમ જાવેદ,ઋષિકેશ મુખર્જી, યશ ચોપડા, મનમોહન દેસાઈ નો મોટો ફાળો કહી શકાય. મિત્ર રાજીવ ગાંધીની સાથે પોલિટિકલ ક્ષેત્રે પણ રસ દાખવેલો અને પોતાની ફિલ્મી ABCL કંપની પણ સ્થાપેલી.
***તો આવો મિત્રો "સહુ નો સાથ" પરિવાર સાથે મળીને અમિતાભ બચ્ચનના ગીત અથવા તો તેમના ફિલ્મના નામ કોમેન્ટ કરી જન્મદિવસ ની શુભ કામનાઓ પાઠવીએ ***