અઘરી વાત છે
રાખ ચોળી જીવવું એ છેક અઘરી વાત છે.
સાથ છોડી પાળવું એ છેક અઘરી વાત છે.
થાળમાં એ સજાવી જીત તમને પીરસી,
હાર માની ભાગવું એ છેક અઘરી વાત છે.
ભીતરી પીડા હવે મનમાં જ ધરબી રાખજો.
મન છુપાવી થોભવું એ છેક અઘરી વાત છે.
બાળપણની એ નિખાલસ ભાવના કેવી હતી.
ને અહીં અપનાવવું એ છેક અઘરી વાત છે.
એ સળી નાનકડી કરી આઘા ખસી જાશે પછી,
વાત જુદી તારવું એ છેક અઘરી વાત છે.
આઈનાની વાત માની આજ પડદો પાડવા,
જાત ખોલી ઢાકવું એ છેક અઘરી વાત છે.
આંખમાં પણ સાચવી રાખી હતી એ છબી,
ઓળખીને ભૂલવું એ છેક અઘરી વાત છે.©
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
"કાજલ"
કિરણ પિયુષ શાહ