“લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.”
તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.
નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.
દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.
જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે ગઝલ.
એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.
માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.
લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.
– ઘાયલ