“છોડ ઉકરડાનો”
“કોર્ટના દરવાજે છે લાચારીઓ લોહીલુહાણ,
બાપડી એ ન્યાયના રસ્તે ઘણી ઠસડાઇ છે .
બાગનું જોતો’તો સપનું છોડ ઉકરડાનો જે
એની ઉપર ચકચકિત કુહાડીઓ ઝીંકાઇ છે.
સૂર ચુક્યો જો ગવૈયો, પંડિતે ઉધડો લીધો,
પણ સભામાં ભૂપતિની છીંક બહુ વખણાઇ છે!
જે ઘરે એક બસ એક રકાબીના ચાના પણ સાંસા હતા,
એ ઘરે ઉડતી રકાબી આવીને ટકરાઇ છે
ખૂન સપનાંનું કરે જે એ ય તાલિબાન છે,
સાવ સ્હેલી વાત પણ ક્યાં કોઇને સમજાઇ છે!”
અનિલ ચાવડા