ગઝલ / જલસા કર્યા
કોઈને આપ્યો દિલાસો, કોઈને ઊભા કર્યા
સૌ ભલે નડતા રહ્યા પણ આપણે ટેકા કર્યા !
મિત્રભાવે આપણાથી ભેટવા તલસે પ્રભુ,
આપણે મંદિર બનાવ્યાં ને વચ્ચે પરદા કર્યા.
માનવીને કદ પ્રમાણે વેતરે કાયમ સમય,
સાનમાં સમજાવવા માટે જ પડછાયા કર્યા.
પેટમાં દુઃખે ઘણાંને તો ભલે દુઃખતું રહે,
આપણા કૉલર હતા ને આપણે ઊંચા કર્યા.
મન ભરી દુનિયાને ચાહી, ગીત ગાયાં મન ભરી,
ક્યાં કશું બીજું કર્યું છે, આપણે જલસા કર્યા.
પરબતકુમાર નાયી
-Dr.Sharadkumar K Trivedi