રહ્યો સતત
નવા વિચાર આપવા , વિચારતો રહ્યો સતત,
કદી અમલ થશે અહીં, બતાવતો રહ્યો સતત.
ઘણાય વિધ્ન ત્યાં નડે, છતાં પ્રયાસ તો કર્યા,
અડગ અટલ રહી પછી, હટાવતો રહ્યો સતત.
એ ધારણા બહારનું બની ગયું ખબર મળી,
વચન દીધું નથી છતાં નિભાવતો રહ્યો સતત.
અવાજ એક નાદ બની,અહીં જ ગુંજતો રહ્યો
હરિ મળી જશે સમય, વિતાવતો રહ્યો સતત.
અથાગ થાક લાગવા છતાં, પ્રયાસ ચાલુ રાખજે,
અનેક વિધ્ન ત્યાં હતાં, વટાવતો રહ્યો સતત
નિયમ મુજબ કડક અમલ, કરી પછી જુઓ તમે,
સફળ થવા નજર નીચી રખાવતો રહ્યો સતત.
વહી જતા વહેણમાં વહાવી દે બધું હવે,
ઘણીય વાત એટલે, વહાવતો રહ્યો સતત.©
કાજલ
કિરણ પિયુષ શાહ