ખેડી શકે
ધાર પર ઊભો રહી જોખમ ઘણાં ખેડી શકે,
વાહ વાહી ખૂબ મળશે ચાલ ત્યાં ચાલી શકે.
વાત આવી આબરૂની બોલ છે કોઈ ઉપાય?
કર કરામત આજ એવી આબરૂ ઢાંકી શકે.
લાગણી લીલાશ પડતી લાગતી ચશ્મા થકી,
લાલચી મન આજ બોલ્યું તું બધું રંગી શકે?
વાત ખોટી લાગતી તો પણ હંમેશા મન કહે,
ભૂલ સ્વીકારી બધું માથે અહીં ઓઢી શકે.
જાળ નોખી પાથરી દીધી ફસાવી આપને,
સત્ય નોખું એ બતાવી છેતરી રોકી શકે.
ચાલ મનવા રાહ નોખી ચાતરી જઇએ હવે,
છે ભલામણ ખાસ મનનું આમ તો માની શકે.
બોલવાનું માપમાં આપી શિખામણ દૂરથી,
મન મુંઝાતું કે વિચારો ત્રાજવે તોલી શકે?©
કાજલ
કિરણ પિયુષ શાહ