#ફોટોઓફધડે
ધૂમકેતુ(comet) એ વિશાળ પિંડ છે, જે ગેસ, ધૂળ, બરફ, ખળકાળ સામગ્રી(Rocky material) અને ઓર્ગેનિક કંપાઉન્ડ્સ જેવા કે, આલ્કોહોલ, કાર્બોનીલ્સ, એમાઈન્સ, નાઇટ્રાઇલ્સ, એમાઇડ્સ અને આઈસોસાયનાઈડથી બનેલાં હોય છે.
હવે ધૂમકેતુનું નામ પાડતાં જ આપણાં મગજમાં સૌપ્રથમ "હેલીના ધૂમકેતુ"નું નામ આવી જાય. હેલીના ધૂમકેતુ વિશે નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિ પણ જાણતાં હોય છે! હેલીનો ધૂમકેતુ દર ૭૬ વર્ષે સૂર્યની નજીકથી પસાર થાય છે!
અહીં એક પ્રશ્ન ઉદભવે કે, હેલીનો ધૂમકેતુ દર ૭૬ વર્ષે જ કેમ સૂર્યની નજીકથી પસાર થાય છે?
આ ધૂમકેતુઓ એ આપણાં સૌરમંડળમાં જ આવેલાં હોય છે અને આ ધૂમકેતુઓ પણ સૂર્યની આસપાસ ભ્રમણકક્ષા(Orbit)માં હોય છે પરંતુ આ ધૂમકેતુઓ સૂર્યથી ઘણાં જ દૂર હોય છે તેથી તેઓને સૂર્યની આસપાસ એક ઓર્બિટ પૂરી કરવામાં ઘણા વર્ષો લાગે છે! અહીં હેલીના ધૂમકેતુને સૂર્યની આસપાસ એક ઓર્બિટ પૂર્ણ કરવામાં ૭૬ વર્ષ લાગે છે અને તે દર ૭૬ વર્ષે સૂર્યની નજીકથી પસાર થાય છે! આ ધૂમકેતુઓ કરોડોની સંખ્યામાં હોય છે પરંતુ અત્યાર સુધી ૪૫૫૯ જેટલાં ધૂમકેતુઓ શોધવામાં આવ્યા છે!
હવે આ ધૂમકેતુઓને પુછડીયો તારો પણ કહેવામાં આવે છે. આ ધૂમકેતુઓ મુખ્યત્વે કયુપર બેલ્ટમાં જોવા મળે છે! કવાઈપર બેલ્ટ આપણાં સૌરમંડળની બહાર આવેલ વિશાળ ધૂમકેતુઓ અને ઉલ્કાપિંડોથી બનેલ છે જેમાં અબજોની સંખ્યામાં ઉલ્કાપિંડો અને ધૂમકેતુ આવેલાં છે
ઘૂમકેતુઓ જ્યારે પણ સૂર્યની નજીકથી પસાર થાય ત્યારે સૂર્યનાં તાપમાનને કારણે આ ધૂમકેતુઓમાં રહેલો બરફ પીગળવા લાગે છે અને તેની સાથે ગેસ અને ઓર્ગેનિક કંપાઉન્ડ્સ પણ અવકાશમાં ફેંકાય છે જેને કારણે આ ધૂમકેતુની પાછળ પૂછડી જેવી રચના બને છે! આ પૂછડીના પણ અલગ અલગ રંગ હોય છે કારણ કે, ધૂમકેતુમાં રહેલ ગેસ અને ઓર્ગેનિક કંપાઉન્ડ્સ ગરમ થઈ અવકાશમાં ફેંકાય છે અને આ ગેસ અને ઓર્ગેનિક કંપાઉન્ડ્સ ઉપરથી તે ધૂમકેતુની પૂછડીનો રંગ જોવા મળે છે!
હાલમાં જ એટલે કે, ૨૭ માર્ચ ૨૦૨૦થી ૨૭ જુલાઈ ૨૦૨૦ સુધી "નિયોવાઈઝ" ધૂમકેતુ જોવા મળ્યો હતો. જો તમે આ ધૂમકેતુ જોવાનું ચૂકી ગયા હોવ તો તમારે ૬,૭૬૬ વર્ષો સુધી રાહ જોવી પડશે કારણ કે હવે તે ૬,૭૬૬ વર્ષો બાદ સૂર્યની નજીકથી પસાર થશે!!
હવે અન્ય એક ધૂમકેતુ "C/2022 E3 (ZTF)" આ વર્ષે જોવા મળશે જે ૧૨ જાન્યુઆરી ૨૦૨૩થી પૃથ્વીના વિવિધ ભાગોમાંથી નરી આંખે અને ટેલિસ્કોપ્સ ધ્વારા જોઈ શકાશે જેની પૂંછડી લીલા કલરની હશે! અને આ ધૂમકેતુ ૧ અને ૨ ફેબ્રુઆરીએ પૃથ્વીની સૌથી નજીક હશે આ સમયગાળા દરમિયાન તે સૌથી તેજસ્વી દેખાશે! આ ધૂમકેતુને વહેલી સવારે સૂર્યોદય પહેલાં જોઈ શકાશે!
માનવામાં આવે છે કે આ ધૂમકેતુ દર ૫૦,૦૦૦ વર્ષે સૂર્યની નજીકથી પસાર થાય છે એટલે કે જ્યારે માનવોની "નિઅંડરથલ" પ્રજાતિ પૃથ્વી ઉપર વસવાટ કરતી હતી ત્યારે આ ધૂમકેતુ દેખાયો હશે!! ધૂમકેતુની ઓર્બિટ અલગ અલગ ત્રણ જગ્યાએથી માપવામાં આવે છે અને અંતે તેનો ચોક્કસ ઓર્બિટલ પિરિયડ નક્કી કરવામાં આવે છે!
નીચેની ઇમેજ "C/2022 E3 (ZTF)" ધૂમકેતુની છે જેને ભારતના "હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપ" ધ્વારા કેપ્ચર કરવામાં આવી છે!
-નીલકંઠ