...#... પોષી પૂનમ...#...
સર્વે યોગમાયાઓને અર્પણ....
"પોષી પોષી પૂનમડી,
પોષા બેનના વરત,
ભાઈની બેની રમે કે જમે ?"
આપણા હિન્દુ ધર્મમાં દરેક માસની પૂર્ણિમા અને અમાવસ્યાઓનું અદકેરું મહત્વ છે.
એવી જ રીતે શિયાળાની ઋતુમાં આવતા પોષ મહિનાની પૂર્ણિમા એટલે કે,"પોષી પૂનમ".
પોષી પૂનમની મહત્તા વિશે વાત કરવા બેસું તો શબ્દો ખૂટી પડે,પણ એનું સંપૂર્ણ વર્ણન ન કરી શકું. તેમ છતાંય આ મહાન દિવસના વર્ણન માટે એક નાનકડો પ્રયાસ કરું છું. અને આપણી સનાતન સંસ્કૃતિ વિશે થોડું સવિસ્તાર સમજાવવાનો પ્રયાસ કરું છું.
* અંબાજી માતાજીનું પ્રાકટ્ય.
પોષી પૂનમના દિવસે માઁ જગદંબાની આરાધના અને ઉપવાસ કરવાનું મહત્વ છે. પૂનમના દિવસે મંદિરમાં માઁ ના દર્શનનો પણ મહિમા રહેલો છે. આ અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી પૂનમના દિવસે ગુજરાતમાં સ્થિત માઁ અંબાના ધામ અંબાજીએ પણ ભક્તોનો જમાવડો જામે છે.
કહેવાય છે કે, પોષી પૂનમના દિવસે જ આદિશક્તિ માતા સતીના હ્રદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો.અને સ્વયં આદિશિવે શક્તિપીઠની સ્થાપના કરી પોતે ભૈરવ રુપે એ શક્તિપીંડના રક્ષક બન્યા. આ દિવસે પૂનમ હોવાથી તેને માઁ જગદંબાનો પ્રાગટ્યોત્સવ પણ મનાય છે. આનો ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં પણ છે.
* સૂર્યદેવના પ્રિય માસની પૂર્ણિમા.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રો અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે, આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ કરે છે. એટલા માટે જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને, સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદ્દભૂત ધાર્મિક સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તથા જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
* બહેનોનો પ્રિય દિવસ.
પોષી પૂનમનું આપણી ગુર્જર સંસ્કૃતિમાં આગવું મહત્વ છે. આ દિવસે બહેન પોતાના વહાલા વિરા માટે ઉપવાસ રાખે છે.ભાઇ માટે ઇષ્ટ પાસે સુખ,શાંતિ,તંદુરસ્તી અને સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. સાંજે કાંણું પાડેલા બાજરીના રોટલાની ચાનકીમાંથી ચંદ્રમાનું દર્શન કરે છે.
અગાસી પર ઉભેલી બેની ચંદ્રદર્શન કરતાં કરતાં પાસે ઉભેલા પોતાના વિર ને કહે છે કે,
"પોષી પોષી પૂનમડી,
પોષા બેનના વરત,
ભાઈની બેની રમે કે જમે ?"
ભાઇ કહે છે : "જમે."
વળી બેની કહે છે કે,
"પોષી પોષી પૂનમડી
અગાસીએ રાંધ્યા અન્ન;
ભાઈની બેની જમે કે રમે ?"
વળી ભાઇ કહે છે : "જમે."
વળી બેની કહે છે કે,
" ચાંદા તારી ચાનકી,
અગાશી એ રાંધી ખીચડી.
ભાઈની બેની રમે કે જમે ? "
આ વખતે ભાઇ કહે છે કે,
"પોષી પોષી પૂનમડી,
અગાશીએ રાંધી ખીર વ્હાલા,
જમે માઁ ની દીકરીને પીરશે બેનીનો વિર વ્હાલા."
આમ ત્રણ વખત બોલ્યા બાદ બેની ફરાળ કરીને વ્રતની પૂર્ણાહુતિ કરે છે.
આ છે આપણી સનાતન સંસ્કૃતિનું ગૌરવ.
જેના થકી આપણે ચિરકાલ સુધી ગૌરવાંવિત રહીશું.
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....