ખમ્મા માધવરાય આપ ને ખમ્મા આ મહેરામણ ને,
જ્યાં રસવંતી મધુવંતી માતા મળી પોતા ના સાજણ ને !
પિયર એનું મેંદરડા ને શ્વસુર એનું માધવપુર,
ગિરનારજી ને સ્નાન કરાવી આવી એનું લઇ ને નૂર,
આજે પણ આ ધરતિ કહે છે ક્રુષ્ણ પ્રભુ ના કામણ ને,
ત્યાં મધુવંતી મળવા આવી મનમાન્યા મહેરામણ ને !
સાજણ ને સમર્પણ ની આ ક્ષણ મોટું દર્પણ છે,
અહમ્ ને ઓગાળી સમજણ પ્રાપ્તિ ની પળોજણ છે,
એ શિક્ષણ આપે મધુવંતી અહીં આવતા હર જણ ને,
જોબનવંતી નદી રુપાળી મળી મસ્ત મહેરામણ ને !
એક તો સાંજ સલૂણી એમાં સરિતા ને સાગર મળીયા,
જાણે રાણી રુક્ષ્મણી ને મનમોહન માધવ મળીયા,
એનો રાજીપો છે દરિયા ની રેતી નાં કણ કણ ને !
મદમાતી મધુવંતી મળવા આવી છે મહેરામણ ને !
-પ્રફુલ્લ દવે.