દયાનંદ સરસ્વતી, સ્વામી (જ. 1825, ટંકારા, જિ. રાજકોટ; અ. 30 ઑક્ટોબર 1883, અજમેર) : આર્યસમાજના સ્થાપક. વેદોના ઊંડા અભ્યાસી. અગ્રણી સમાજસુધારક અને મહાન દેશભક્ત. દયાનંદનો જન્મ સારી સ્થિતિના, શિવમાર્ગી ઔદીચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કરસનજી લાલજી ત્રિવેદી જમીનદાર અને ધીરધાર કરનાર હતા. દયાનંદનું સાંસારિક નામ મૂળશંકર હતું. તેર વર્ષ સુધીમાં તેમણે સંસ્કૃત વ્યાકરણ તથા શબ્દરૂપાવલીનો અભ્યાસ કર્યો અને શુક્લ યજુર્વેદનો કેટલોક ભાગ કંઠસ્થ કરી લીધો. તેમની 14 વર્ષની વયે મહાશિવરાત્રિના સમયે મંદિરમાં શિવલિંગ પર ઉંદરો દોડતા જોયા. ભગવાન પોતાના ઉપર દોડતા ઉંદરો દૂર કરી શકતા નથી, તે જોઈને તેઓ મૂર્તિપૂજાના વિરોધી બન્યા. નાની બહેન તથા કાકાના અવસાનથી તેમને જીવનની ક્ષણભંગુરતા સમજાઈ ગઈ.
ઈ. સ. 1846માં તેમણે ગૃહત્યાગ કરી, સાયલા ગામે લાલા ભગતના સ્થાનકમાં આજીવન બ્રહ્મચર્યવ્રત પાળવાનો સંકલ્પ કરી, શુદ્ધચૈતન્ય નામ ધારણ કર્યું. નર્મદા નદીના કિનારે ભ્રમણ કરતાં, ચાંદોદ પાસે તેમણે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંન્યસ્ત ગ્રહણ કરી, ‘દયાનંદ સરસ્વતી’ નામ રાખ્યું. તેમણે હરદ્વાર, હૃષીકેશ, બદરીનારાયણ, કેદારનાથ, રુદ્રપ્રયાગ, જોશીમઠ વગેરે સ્થળે પ્રવાસ કર્યો. પોતાની 36 વર્ષની વયે, 1860માં તેઓ મથુરામાં 80 વર્ષના પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડ પંડિત સ્વામી વિરજાનંદને મળ્યા. તેમની પાસે તેમણે ત્રણ વર્ષ રહીને પાણિનિકૃત ‘અષ્ટાધ્યાયી’ તથા ‘મહાભાષ્ય’, ‘નિરુક્ત’, ‘નિઘંટુ’ અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. શિષ્યને વિદાય આપતી વખતે ગુરુએ આર્યાવર્તમાં પ્રાચીન વિદ્યાની યશગાથા ગાવા, વેદો અને આર્ષગ્રંથોનો પ્રચાર કરવા, વેદ ધર્મની પુન:પ્રતિષ્ઠા કરવાનું વચન માગ્યું. દયાનંદે ગુરુનો આદેશ શિરોમાન્ય ગણ્યો.
ઈ. સ. 1865થી તેમના સેવામય જીવનની શરૂઆત થઈ. તેમણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પંજાબમાં વધુ સમય રહીને તથા વખતોવખત બિહાર, મધ્યપ્રદેશ તથ મુંબઈના પ્રવાસો કરીને વેદો પર આધારિત હિંદુ ધર્મ લોકોને સમજાવ્યો. તેઓ મૂર્તિપૂજાનો વિરોધ કરતા અને વેદોમાં તેને સમર્થન આપતા આધારો નથી એમ જણાવતા. આ અંગે તેમણે વિવિધ સ્થળોએ પ્રસિદ્ધ પંડિતો સાથે વિવાદો કરીને વિજય મેળવ્યો. પોતાના વિચારોનો પ્રચાર અને અમલ થાય તે માટે તેમણે ઈ. સ. 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ત્યારના મુંબઈ ઇલાકામાં તેમણે આર્યસમાજની સો જેટલી શાખાઓ તથા કેટલેક સ્થળે સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપી. તેઓ વેદોના પ્રખર વિદ્વાન હતા. વેદોમાં ન હોય એવા, પાછળથી ધર્મમાં પ્રવેશેલા ક્રિયાકાંડોના તેઓ વિરોધી હતા. તેમણે મૂર્તિપૂજા, અવતારવાદ, મૃત્યુ પછીના ક્રિયાકાંડ, બહુદેવવાદ અને બાળલગ્નનો વિરોધ કર્યો. વ્યક્તિની ફરજ તરીકે તેમણે સમાજસેવાને મહત્વ આપ્યું. સ્ત્રીઓ અને શૂદ્રો પણ ધર્મશાસ્ત્રો વાંચી શકે એમ જણાવ્યું. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાની લોકોને પ્રતીતિ કરાવી. તેમણે સ્ત્રીઓને સમાન દરજ્જો આપવાની તથા રાષ્ટ્રીય શિક્ષણની હિમાયત કરી. આર્યસમાજ તરફથી ધરતીકંપ, દુષ્કાળ કે રોગચાળા જેવી કુદરતી આપત્તિ વખતે માનવસેવાનાં કાર્યો કર્યાં. દયાનંદે ‘સત્યાર્થપ્રકાશ’ નામનો ગ્રંથ લખ્યો. તેમાં હિંદુઓને લગતી ધાર્મિક, સામાજિક અને રાજકીય બાબતો સમજાવવામાં આવી છે. આ ગ્રંથના ગુજરાતી સહિત ભારતની ઘણીખરી ભાષાઓ તથા અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. તેમણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ પર ભાષ્યો સહિત સંસ્કૃત તથા હિન્દીમાં અનેક પુસ્તકો લખ્યાં. તેમાં સંસ્કૃત વ્યાકરણ, પ્રાર્થના, હિંદુઓના સોળ સંસ્કાર આદિનો સમાવેશ થાય છે. દયાનંદે ખ્રિસ્તી થયેલા હિન્દુઓનું શુદ્ધીકરણ કરી તેમને પોતાના ધર્મમાં પાછા લેવાની તથા અસ્પૃશ્યોના ઉદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી. તેઓ કુરિવાજોના વિરોધી હતા. તેમણે ‘પરોપકારિણી સભા’ની સ્થાપના કરીને પોતાની બધી સંપત્તિ વેદોના પ્રચાર, વેદોના શિક્ષણ તથા નિર્ધનોને મદદ માટે તેને સોંપી દીધી. ઈ. સ. 1883માં, દૂધમાં વિષ આપી દ્વેષગ્રસ્ત વિરોધીઓએ તેમની હત્યા કરી.