ઉદાસી ઘૂંટાઈને ઘાટી થઈ છે,
હતી માત્ર ઓળખ જે, યારી થઈ છે.
બધી લાલી હોઠોની આંખોમાં આવી,
જગા ફેરની શું બીમારી થઈ છે?
ચલો ભૂલવાની શરત રાખું મંજુર,
પુરાશે જગા એ? જે ખાલી થઈ છે!
હતો ખાસ પહેરીને રાખ્યાનો આનંદ;
પીડા વીંટી કાઢ્યાંની ખાસ્સી થઈ છે!
લખીને ભૂંસો છો ને પાછું લખો છો -
સપાટી હૃદયની, શું પાટી થઈ છે?
તમે જે સૂકી ડાળખી સામે મલક્યા,
ફૂટી પળમાં કૂંપળ, એ તાજી થઈ છે.
જરા ધ્યાનથી જુઓ સમજાઈ જાશે;
બે આંખો, હૃદયની ટપાલી થઈ છે!
તમે ખુદની જાણી મઠારી જો આપી,
હવે જિંદગી કંઈક સારી થઈ છે!
#sHiVaN