ઈ-મેઈલ અને એસએમએસના સમયમાં પણ
બાવીશ રૂપિયાની સ્ટેમ્પ ટીકીટથી સુસજ્જિત રજીસ્ટર્ડ પોસ્ટથી મોકલેલું પરબડીયું ટપાલીએ પકડાવ્યું
જયારે મારા હાથમાં...
ત્યારે...
સરનામાંની જગ્યાએ વાંકાચૂંકા અક્ષરો જોઇને જ
ઉપસી આવ્યો સ્મૃતિપટલ પર એ ચહેરો
એ ઝઘડા
એ બકબક
એ મારપીટ
અતીતના પડદે પડવા લાગ્યાં એક એક દ્રશ્યો.. ચલચિત્રની માફક
એનો એ માસૂમ ચહેરો
બે ચોટલી વાળેલી અને એમાં ભરાવે લાલ, ગુલાબી કલીપ
મનગમતું ફ્રોક પહેરી
મુખડું ઉઘાડવા
૧૦૦ ગ્રામ પાઊડર લગાવીને મને પૂછે..
ભાઈ.!! હું કેવી લાગુ છું ?
સમજી ગયો
એક ઇંચ સુતરના દોરાની રાખડીમાં
એકની એક બેનડીનું મણ એકના વ્હાલનું વજન હતું
પરબીડિયામાં
રાખડી સાથે હતી ચબરખી
“ભાઈ... ભાભી પાસે રાખડી બંધાવી લે જો
મીઠાઈ મંગાવી લે જો “
કેટ કેટલું, એક સામટું લાગણીનું પૂર
સમેટીને લાવ્યું’તું ચાર ઇંચનું પરબીડિયું.
બંધાઈ રક્ષા બંધને, ને તૂટ્યા અશ્રુબાંધ.
#Kavydrishty
-વિજય રાવલ