“ગુજરાતનું ગૌરવ”
તા. ૧૦મી જૂન, શુક્રવારની સંધ્યાએ ટાઈસન ઑડિટોરિયમ, ન્યૂયોર્કના હોલમાં એક સુંદર મલયાલી શોર્ટ ફિલ્મ ‘ ચાંદી ઓરુ થારાવાડી’ નો પ્રીમીયર શો ઉજવાઈ ગયો. આ ફિલ્મના પ્રોડ્યુસર છે શાજી એન્નાસેરિલ અને ૮ થી ૧૦ જેટલાં કલાકારોએ તેમાં સુંદર કામ કર્યું છે.
આ લેખ લખવાનું મુખ્ય કારણ ન્યૂયોર્કના પ્રેક્ષકગૃહમાં બેઠેલ એક મિત્રનો ઉમળકાભર્યો ત્વરિત પ્રતિભાવ છે. તેમના કહેવા મુજબ ખાસ આનંદ અને ગૌરવની વિશેષ વાત તો એ છે કે તેમાં બે ગુજરાતી કલાકારોએ અભિનય આપ્યો છે.
ફિલ્મની વાર્તા શ્રી પ્રકાશ મેનન લિખિત સામાજિક રમૂજી કટાક્ષની છે. તેમાં ફિલ્મની મુખ્ય નાયિકા મૌલિ તરીકે ગુજરાતી બહેન ડો. શીતલ દેસાઈ તેમના અભિનય થકી હોલમાં સંપૂર્ણપણે છવાઈ ગયાં હતાં. તેમણે તેમના સુંદર અભિનયથી પ્રેક્ષકો પર જબરદસ્ત પકડ જમાવી દીધી હતી.બીજી નોંધપાત્ર વાત એ છે કે, અતિથિ કલાકાર તરીકે મુખ્ય નાયિકાના ભાઈ તરીકે આવેલ, ગુજરાતી કલાકાર શ્રી વિરેન્દ્ર બેંકરનો પ્રવેશ અને અભિનય કાબિલેદાદ રહ્યો. સમગ્ર હોલ તેમની ભૂમિકાને કારણે તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો હતો.
શ્રી વિરેન્દ્ર બેંકર સંગીત અને અભિનયક્ષેત્રે જન્મજાત કલાકાર છે. તેમને મળેલી કુદરતી બક્ષિસ, તેમણે વિવિધ રીતે સતત વિકસાવી છે અને અભિવ્યક્ત પણ કરી છે. તેઓ નાનપણથી જ રેડિયો અને રંગમંચના મહારથી બનતા આવ્યા છે, ઘણાં નાટકોમાં કામ કર્યું છે તેમજ સંગીતની તાલીમ લીધી છે અને આપી પણ છે. એટલું જ નહિ, હાર્મોનિયમ, તબલા અને વાંસળી જેવા સંગીતના વાદ્યો પણ પોતે બજાવી શકે છે. તેમની વાંસળીના સૂરો હજીયે કાનમાં ગૂંજતા રહ્યા છે. આ ઉપરાંત, ન્યૂયોર્કમાં ગુજરાતી સમાજ અને આધ્યાત્મિક વિકાસ કેન્દ્ર જેવી સંસ્થાઓમાં સ્વરચિત અને દિગદર્શિત બે નાટકોમાં પણ તેમણે ‘મલ્ટીપલ’ ભૂમિકા ભજવેલ છે.
એક ગુજરાતી તરીકે મલયાલી જેવી અન્ય ભાષાની શોર્ટ ફિલ્મમાં કામ કરવા તૈયાર થવું અને સુંદર કામગીરી કરી બતાવવી તે તો જાણે તેમના કલામય મોરપિચ્છમાં કલગી સમાન કહી શકાય. દરેક ગુજરાતી માટે ગૌરવની વાત ગણાય.એકંદરે આ શો સુંદર અને સફળ રહ્યો. ન્યૂયોર્ક સ્ટેઈટના પ્રતિનિધિ શ્રી ડેવિડ વેપ્રિનની હાજરી પણ ધ્યાનપાત્ર હતી.
સર્વે આયોજકો અને કલાકારોને સલામ.
અસ્તુ..
દેવિકા ધ્રુવ