* ઝૂમરી તલૈયા :
‘ઝૂમરી તલૈયા : નામ યાદ આવે છે? ક્યા ગીતમાં સાંભળ્યું હતું?*
સાંઈઠ-સિત્તેરની વયે પહોંચેલા લોકોને આ નામ બિલકૂલ અજાણ્યું નહી લાગે કારણ કે એમની યુવાનીમાં એટલે કે ગીત ગાવાના દિવસોમાં વિવિધ ભારતી અને રેડિયો સિલોનના ફિલ્મી ગીતોના અનેક ફરમાઈશી કાર્યક્રમોમાં ‘ઝૂમરી તલૈયાસે રામેશ્વ્રર, નંદલાલ અને ગંગાપ્રસાદ એ નામ અચૂક આવતા. એ સમયે લાગતું કે આ કોઈ બનાવટી કે કાલ્પનિક ગામનું નામ છે અને આટલા બધા લોકો એક જ જગ્યાએથી ગીતોની ફરમાઈશ મોકલાવે તેવા સંદેહ સાથે પ્રશ્નો પણ થતાં.
વાસ્તવમાં ઝૂમરી તલૈયા ગામ બિહારમાં આવેલું હતું અને હવે ઝારખંડમાં તેનો સમાવેશ થયો છે. ઝૂમરી એ ગામનું નામ છે અને બાજુમાં આકર્ષક તળાવ આવેલું છે એટલે તે ઝૂમરી તલૈયા તરીકે ઓળખાય છે. આશિષ રાજાધ્યક્ષ અને પૉલ વિલહેમએ લખેલ ‘એનસાયક્લોપિડિયા ઑવ ઈંડિયન સિનેમા’ નામના પુસ્તકમાં ઝૂમરી તલૈયા વિષે ઘણી રોચક માહિતી આપી છે. ઝૂમરીએ અબરખ ઉત્પાદનનું સૌથી મોટું સ્થળ છે અને 1950 ના સમયમાં ઝૂમરીમાં અનેક રશિયન લોકો રહેતા હતા. રશિયા અબરખનું સૌથી મોટું ખરીદાર હતું. અબરખની ખાણો ત્યારે ખાનગી લોકો ચલાવતા હતા અને ગામ સારી આવકના કારણે સમૃધ્ધ હતું.
એ અરસામાં રેડિયોનો યુગ ચાલી રહ્યો હતો અને રેડિયો સિલોને લોકોની ફરમાઈશ ના ગીતો રજુ કરતો કાર્યક્રમ પ્રસારિત કરવાની શરૂઆત કરી હતી. ઝૂમરીના કેટલાક દુકાનદારો બપોરે નવરાશના સમયે રેડિયો સાંભળતા એમાં એક રામેશ્રવર બર્નવાલ નામના દુકાનદારને થયૂં કે ચાલોને આપણે પણ મનગમતા ગીતોની ફરમાઈશ મોકલીએ અને તેમણે રેડિયો સ્ટેશન પર રજુઆત કરવાની શરૂઆત કરી. રેડિયો પર આપણું નામ આવે એનાથી પ્રેરાઈને ઝૂમરી તલૈયાના અનેક લોકો ફરમાઈશના પોસ્ટકાર્ડ મોકલવા લાગ્યા.
આ જુવાળમાં વધારો થયો 1957 માં જ્યારે વિવિધ ભારતીની પ્રસારણ સેવા દેશભરમાં શરૂ થઈ ત્યારે લોકોને રેડિયો સિલોન અને વિવિધ ભારતી એમ બે માધ્યમો ફરમાઈશ કરવા માટે મળ્યા તેમાં વિવિધ ભારતી લોકપ્રિય થઈ ગયું કારણ કે ઝૂમરી ગામમાં વિવિધ ભારતીના રેડિયો સિગ્નલ વધારે સ્પષ્ટ આવતા હતા. એ સમયમાં રેડિયો એક સશક્ત માધ્યમ હતું. આખો દેશ સમાચાર માટે રેડિયો પર આધાર રાખતો હતો. બધે જ રાષ્ટ્રીય અપિલ અને સંદેશ રેડિયો પરથી કરવામાં આવતા. આખો દેશ જો આપણું નામ સાંભળે તો કેટલા બધા લોકો ઓળખતા થઈ જાય ! બસ આ એક લગન, ઘેલછા એ ઝૂમરીને દેશભરમાં પ્રખ્યાત કરી દીધું.
રામપ્રસાદને પછી ચાનક ચડી અને રોજના વીસ થી પચીસ પોસ્ટકાડ પોતાને ગમતા ગીતોની ફરમાઈશ કરતા મોક્લવા માંડ્યા, રેડિયો પર રામપ્રસાદનું સતત આવતું નામ સાંભળી તેની બાજુના દુકાનદારો નંદાલાલ સિંહા અને ગંગાપ્રસાદ મગધિયાએ પણ પોસ્ટકાર્ડ લખવામાં ઝૂકાવ્યું અને આ ત્રણ જણ ના જ રોજના એંસી થી સો ફરમાઈશ પોસ્ટકાર્ડ જવા લાગ્યા. પોસ્ટ ઑફિસની આવકમાં નિયમિત વધારો થવા લાગ્યો કારણ કે ત્યાર પછી આખા ગામે ફરમાઈશ ગીતો માટે ઝૂકાવ્યું. ઝૂમરીની પોસ્ટ ઑફિસમાં પોસ્ટકાર્ડનો જથ્થો હજારોની સંખ્યામાં રાખવામાં આવતો. અછતના સમયે કાળાબજાર પણ થતાં.
ગ્રામ્ય ઈલાકાના એક સર્વેમાં નોંધાયું હતું કે દેશભરમાં સૌથી વધું રેડિયો ઝૂમરી તલૈયામાં હતા. ઘરદીઠ એક નહી વ્યક્તિદીઠ એક. અત્યારે ઝૂમરીની વસતિ એક લાખની આસપાસ છે. ઝૂમરીની બજારમાં આજે પણ જૂના જમાનાના રેડિયો અને ટ્રાંઝિસ્ટર વેચાય છે. ઝૂમરી વેપારનું એક સ્થળ અને રમણિય નજારો ધરાવતું ગામ ગણાતું પણ રેડિયોએ તેને વિશ્વભરમાં પ્રખ્યાત કરી દીધું. બ્રિટનના ટેલિગ્રાફ અખબારે ‘ધ ઈમ્પેક્ટ ઑવ લિસનિંગ રેડિયો’ નામના તેમના 1975 માં પ્રકાશિત કરેલ લેખમાં ઝૂમરી તલૈયાના લોકોની ફિલ્મી ગીતો માટેની લગન અને રેડિયો પર આવતા નામ સાંભળવાથી માણસ કેટલો આનંદિત થાય છે તેનું મનોવૈજ્ઞાનિક વિષ્લેશણ કર્યું હતું.
જગતની પ્રથમ રેડિયો લિસ્નર્સ ક્લબની સ્થાપના પણ ઝૂમરીમાં થઈ હતી અને ગ્રામ પંચાયતમાં રેડિયો મૂકી રોજ રાત્રે સામુહિક શ્રવણ થતું. એ જમાનાના બધા લોકપ્રિય ગીતો અને ઓછા જાણીતા ગીતો પણ ઝૂમરીના લોકોને હોઠ ઉપર રહેતા. અંતકડીનો પ્રસાર પણ ઝૂમરીમાં વ્યાપક થયેલો અને શેરીઓમાં તેની સ્પર્ધાઓ થતી જેમાં ઘર ઉપયોગી વસ્તુઓ અને રોકડ ઈનામો આપવામાં આવતા. ઘણી ફિલ્મોના શૂટીંગ પણ ઝૂમરીના આજુબાજુના મનોરમ્ય લોકેશનના કારણે થયેલા છે. અબરખના ઉત્પાદનના કારણે ગામની સમૃધ્ધ હોવાથી ફિલ્મી કલાકારોને પણ 1960 ના દસકમાં બોલાવવામાં આવતા.
ગામમાં બહારના લોકોની અવરજવર વધવાથી ત્યાંની એક લોકપ્રિય મીઠાઈ કલાકંદ પણ ઝૂમરીની જેમ પ્રખ્યાત થઈ ગઈ. ગામમાં એવા લોકો પણ હતા કે ક્યારેય ગામ બહાર નિકળ્યા ન હતા પણ કલાકંદ મીઠાઈના બોક્ષ ફિલ્મી ગાયકો, સંગીતકારોને ત્યાં મોક્લતા. પારસમણી અને દોસ્તી ફિલ્મો નાગીતો લોકપ્રિય થયા ત્યારે લક્ષ્મીકાંત-પ્યારેલાલના ઘરે આવું એક બોક્ષ આવેલું સરનામું લક્ષ્મીકાંતનું હતું અને હતા બે જણ. બન્ને એ ઝૂમરી તલૈયાનું નામ સાંભળ્યું ન હતું એટલે વિમાસણ માં હતા કે આ ખવાય કે નહી અને ત્યારે તેમની મદદે શંકર-જયકિશનના જયકિશન આવેલા કે બોક્ષ મોટું હોય તો મારા ઘરે આવી જાવ. અને પછી ઝૂમરીનો ઈતિહાસ કહેલો. (મીઠાઈ ખાધા પછી)
ઝૂમરી તલૈયાએ શરૂ કરેલ આ ટ્રેંડ કે પ્રણાલિકા લાંબા સમય સુધી ચાલું રહી હતી. ટીવીના આગમન પછી રેડિયોની પીછેહટ શરૂ થઈ અને ક્રમશ: ફરમાઈશ ગીતો બંધ થવા લાગ્યા. પણ આજે ય ઝૂમરી તલૈયા સિનેચાહકો અને ગીતોના રસિયાઓના મનમાંથી ભુંસાયું નથી.
એક અજાણ્યું ગામ રાતોરાત ગીતોને લોકપ્રિય કરી દે તે પણ એક આશ્ચર્યકારક ઘટના જ હશે ને ?
Enjoy!!