હાઈકુ વિષે સાદી સમજ
છેલ્લાં ઘણાં વર્ષોથી મારી કલમ વિસ્તારથી લખવા ટેવાયેલી છે. આજે ઘણાં વર્ષો પછી ફરીથી સત્તર અક્ષરોમાં સંવેદના સમેટવાનો પ્રયત્ન ‘હાઇકુ’ દ્વારા કર્યો છે.
પાંચ, સાત, પાંચ અક્ષરોનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્ય પ્રકાર એટલે "હાઈકુ". આજે "વિશ્વ હાઈકુ દિવસ" નિમિત્તે એક હાઈકુ:
સચવાઇ ગ્યો
અહં તારો, શમણાં
રોળ્યા મેં આંખે..!!
સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે.
ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનાં નામ નિર્દેશાયા છે, પરંતુ આ કાવ્યપ્રકારને ગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિનો ફાળો મહત્વનો છે. ગુજરાતીમાં એ રીતે હાઈકુની શરૂઆત ૧૯૬૫માં થઈ એમ કહેવાય છે અને તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિને ગણવામાં આવે છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ સોનેરી ચાંદ રૂપેરી સૂરજ ૧૯૬૬માં પ્રગટ થયો હતો.
સ્નેહરશ્મિએ એકસાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા, તેની સાથે રાજેન્દ્ર શાહ, ઉશનસ્, પ્રિયકાંત મણિયાર, રાવજી પટેલ, ધીરુ પરીખ, ધનસુખલાલ પારેખ વગેરે અનેક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ખેડાણ કર્યુ. વીસમી સદીનાં આઠમાં દાયકા દરમિયાન આધુનિક ગુજરાતી કવિઓએ હાઇકુના ઘણા પ્રયોગો કર્યા. જેમ કે મનોજ ખંડેરિયાએ હાઇકુ કાવ્યપ્રકાર અને ગઝલ કાવ્યપ્રકારનું મિશ્રણ કરીને કાવ્યરચના કરી છે.
હાઈકુનું નામકરણ ઓગણીસમી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તર અક્ષરોનો બનેલા, હાઈકુની રચના સાદી, સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે. તેની ત્રણ પંક્તિઓનું વિભાજન પાંચ, સાત, પાંચ - એ રીતે થયેલું હોય છે. અક્ષરોમાં અર્ધા વ્યંજનો કે માત્રાઓની ગણતરી થતી નથી. જાપાનમાં હાઈકુ એક જ પંક્તિમાં લખવાની પ્રથા છે. અંગ્રેજીમાં તેને ત્રણ પંક્તિમાં લખવાની શરૂઆત થયેલી. તેનો એક એક શબ્દ અર્થસભર હોય તે આ કાવ્યપ્રકાર માટે ખૂબ જ જરૂરી છે.
હાઈકુ સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે. કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં ભાગ્યે જ અવકાશ હોય છે. કવિ વસ્તુને જ બોલવા દે છે. તેમાંથી ઊપસતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદન ઉત્પન્ન કરે તેના પર જ તેની સફળતાનો આધાર હોય છે. હાઈકુ વસ્તુત: ચિત્રણ જ છે અને તેનો પ્રત્યેક શબ્દ વાચકના ચિત્તમાં સૌન્દર્યચિત્ર ઉપસાવતો જઈને સત્તર અક્ષરના ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે.
જાપાનના વતની અને અમેરિકામાં ઊછરેલા કવિ કેનેથ યેશુદાએ હાઈકુમાં ઊપસતા ચિત્રનિ સ્થિતિ-ગતિ અનુસાર હાઈકુને ત્રણ પ્રકાર પાડ્યા છે: પ્રલંબ (vertical), સમક્ષિતિજ (horizontal) અને તિર્યક (diagonical). કેનેથ યેશુદાએ આ ઉપરાંત હાઈકુને 'એક-શ્વાસી કાવ્ય' તરીકે ઓળખાવ્યું છે, કેમ કે હાઈકુ કાવ્યની લંબાઈ એટલા જ શબ્દોની હોય છે, કે જેથી આપણે તેને એકશ્વાસે બોલી શકીએ છીએ.
આપ સહુ પણ આપના સ્વરચિત હાઈકુ મૂકી આજનાં હાઈકુ દિવસને વધાવી શકો..!!
- વૈભવી જોશી ‘ઝીલ’