મણકો ૨૨
પ્રાર્થના
હે પ્રભુ
ઘડીકમાં વરસી પડે છે મુશળધાર થઈને. તો ક્યારેક બળબળતો વૈશાખ થઈને દઝાડે છે.,
મારાં તો બારમાસીનાં ગીત.ગીતનો એક જ
શબ્દ,એક જ સૂર,એક જ લય,તું ક્યારેક શીતળ લહેરખીની જેમ સ્પર્શે તો ક્યારેક ઝંઝાવાત થઈને ઝઝૂમે. ખબર નથી પડતી કે તને શું ગમે છે?
વાદળની જેમ સતત પલટાયા કરે છે તારો મિજાજ. શૂળ થઈને પણ વાગે છે ફુલ થઈને પણ ભોંકાય છે. ક્યારેક પંખી થઈને ટહુકે છે તો ક્યારેક ખડકની જેમ ચૂપચાપ.
તારી સાથે કઈ ભાષામાં વાત કરવી તેની આજ લગી સમજ પડતી નથી. સુખની સોય આપે છે અને એમાં પરોવે છે દુઃખનો દોરો. દુઃખની સોય આપે છે અને એમાં પરોવે છે
સુખનો ધાગો.
સોય તારી, દોરો તારો, - જે કંઈ હોય તે - હું તો મારે તારું ધ્યાન ધરીને પુષ્પો પરોવ્યા કરું છું. ફૂલની આ માળા
તારા જ કંઠ માટે.
બધા જ પડદાઓ હટાવી નાખ્યા છે. બધી જ બંધ બારીઓ ખોલી નાખી છે. હવે ચંદ્ર અને ચાંદની આપમેળે પ્રવેશ કરશે. રાતની નીરવ શાંતિમાં હવાનો સ્પર્શ હું
ઓળખી શકીશ. એમાં સમાયેલી તમારી સુગંધને હું માણી શકીશ.
શાંતિની પણ એક ભાષા હોય છે.એની પણ વાણી બંધ કાને અને ખુલ્લી આંખે સાંભળી શકાય છે.
હું કેમ કહું કે તમે નથી? હવાના સ્પર્શમાં તમને અનુભવી શકું છું.
નિરવ શાંતિમાં તમને સાંભળી શકું છું.
ચાંદની લીંપ્યા અંધકારમાં
હું તમને અલપઝલપ જોઈ શકું છું.
આટલું હોય પછી કેમ કહી શકું કે તમે નથી ? હું છું એ પણ તમારા હોવાપણાની જ પ્રતીતિ છે.
ઘનશ્યામ વ્યાસ
સૌજન્ય મારું પ્રાર્થના વિશ્વ
સુરેશ દલાલ.