હકીકત યા ફસાના.
સિંહે ખાલી પડેલ ત્રણ સહાયક મંત્રી પદ માટે ભરતી બહાર પાડી. જંગલના જાનવરોને ખબર પડતા જ ખુશ ખુશ થઈ ગયા અને ફોર્મ ભરવા માટે રીતસરની દોટ મૂકી. ફોર્મ ભરવા માટે એટલો ધસારો થયો કે ઓનલાઈન જંગલ જોબ એપ્લિકેશન સિસ્ટમ નામની વેબસાઈટ પણ બે વખત બંધ થઈ ગઈ. ક્લાર્ક વાંદરાએ બધાની પાસેથી ફોર્મ દીઠ સો રૂપિયા ઉઘરાવ્યા.
ફોર્મ ભરાયા પછી જંગલના જાનવરો તૈયારીમાં મચી પડ્યા. સિંહે પણ જાનવરો માટે ‘કાચી પાત્રી હું પણ સહાયક મંત્રી’ નામની યોજના હેઠળ સરકારી ક્લાસિસ શરૂ કરાવ્યા. જેની ફી જાનવર દીઠ ફક્ત એક હજાર રૂપિયા હતી.
રાત્રે આગિયાના અજવાળે બેસી અભ્યાસ કરનારાઓનો તૂટો નહોતો. જંગલના રાજા સિંહે આગિયા નીચે બેસી અભ્યાસ કરનારાઓ પર કેટલોક કર નાખ્યો. જાનવરોએ રાજી ખુશી એ કરનો સ્વીકાર કર્યો અને મચી પડ્યાં અભ્યાસ કરવા માટે.
છ મહિના પૂર્ણ થઈ ગયા પછી કોલ લેટર આવ્યા. જાનવરો કોલ લેટર કઢાવવા માટે તીતીઘોડાની દુકાને ગયા. જેને પણ રાજાએ જ નિયુક્ત કર્યો હતો. તીતીઘોડાએ પાંચની જગ્યાએ દસ રૂપિયા લઈ ઉઘાડી લૂંટ ચલાવી. જાનવરોએ પોતાનો નંબર ક્યાં આવ્યો છે તે જાણવાની ઉત્સુકતામાં દસ રૂપિયા રાજી ખુશી આપી દીધા.
ગિરના જાનવરોને રણથંભોર પરીક્ષા આપવા જવાનું હતું. રણથંભોરના જાનવરોને ગિરમાં પરીક્ષા આપવાની હતી. જીમ કોર્બેટ નેશનલ પાર્કના જાનવરો મધ્યપ્રદેશ ખસેડાયા હતાં અને મધ્યપ્રદેશના જીમ કોર્બેટમાં. પરીક્ષા પૂર્ણ થયાના બીજા દિવસે પત્રકાર પોપટે બ્રેકિંગ ન્યૂઝ આપ્યા કે આ વખતનું પેપર ફૂટી ગયું છે.
જાનવરોમાં હાહા અને હોહો થઈ ગઈ. બધા ધરણા પર બેઠા. રાજાના શાસન પર ભરી ભરીને ગાળો કાઢવામાં આવી. રાજા ગુફામાં જ રહ્યો અને ફક્ત એક વખત પત્રકાર પોપટને ઈન્ટરવ્યૂ આપ્યું જેમાં તેણે કહ્યું, ‘પેપર લીક કરનારાઓને છોડવામાં આવશે નહિ, સિંહની સરકાર તપાસ કરી રહી છે. જેણે પણ આ કૃત્ય આચર્યું છે તેની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.’
પંદર દિવસ આંદોલન ચાલ્યું ને પછી સમેટાય ગયું.
આંદોલન પૂર્ણ થતાં શિયાળે આવી સિંહને કહ્યું, ‘સાહેબ આગિયા પર નાખેલા અધિક કરના આઠ લાખ રૂપિયા આવ્યા છે. અહીંના જાનવરોને ભરતી માટે રણથંભોરમાં અને રણથંભોરના જાનવરોને અહીં ખસેડાતા મુસાફરીના ખર્ચ પેટે આપણી સરકારને બાર લાખનો ચોખ્ખો નફો થયો છે. બીજું કે આપણી જ દુકાનો જે મુસાફરી વખતે રસ્તામાં આવતી હતી ત્યાં તમામ જાનવરોએ ભોજન કરતા નવ લાખની ચોખ્ખી આવક થઈ છે. ફોર્મ દસ લાખ ઉપર ભરાયા જેનાં એક કરોડ રૂપિયા ખાતામાં જમા થયા છે. ‘કાચી પાત્રી હું પણ સહાયક મંત્રી’ જેવી ભરતીની તૈયારી કરાવતી સરકારી યોજના નીચે તો સીધો બે કરોડનો ફાયદો થયો છે. રહી વાત પ્રિન્ટરની તો તેનાય છ લાખ જેવા રૂપિયા તો મળ્યા જ છે.’
સિંહે ખાલી કહ્યું, ‘વાહ.’
શિયાળે પ્રશ્ન પૂછ્યો, ‘તો મહારાજા, હવે ખાલી પડેલી સહાયક મંત્રીની જગ્યા પર ભરતી કરવા માટે ફરી પરીક્ષાનું આયોજન ક્યારે કરવાનું છે ?’
સિંહે બગાસુ ખાઈ કહ્યું, ‘હવે જગ્યા સાચે જ ખાલી પડે ત્યારે.’
શિયાળ તમામ રૂપિયાનો હિસાબ લગાવતું ને ડોકું ધુણાવતું ચાલ્યું ગયું.
આ છે આજની વાસ્તવિકતા..
-- મહેશ ઠાકર, અમદાવાદ
-મહેશ ઠાકર