...#... ૦૪. જાતકર્મ સંસ્કાર...#...
‘पुत्रे जाते सति जातस्य यत् कर्म तत् जातकर्म ।’
સંતાનનો જન્મ થાય ત્યારે તેની સુરક્ષા તથા ગર્ભસ્રાવજન્ય દોષો દૂર કરવા માટે જે સંસ્કાર કરવામાં આવે તેને ‘જાતકર્મ સંસ્કાર’ કહેવામાં આવે છે.
વૈદિક કાળમાં ઉદરમાં રહેલું બાળક નવમાં મહિનામાં પ્રવેશે ત્યારથી પ્રસુતી માટેની તૈયારીઓ થતી. શુભ દિવસ અને અનુકુળ રાશિમાં સૂતિકા ભવનની તૈયારી થતી. વાદ્યોના મધુર ધ્વની અને મંત્રોના પઠન સાથે દેવતા, બ્રાહ્મણ અને ગાયોની પૂજા કરી ભાવિ માતા પ્રસવના થોડા દિવસ પહેલા સૂતિકાગૃહમાં પ્રવેશ કરતી. કુટુંબની અન્ય સ્ત્રીઓ ભાવિ માતાને પ્રસન્ન રાખતી, ભોજન વગેરે સર્વ જરુરીયાતો પૂરી કરતી, પ્રસવ માટે તૈયાર કરતી. પ્રસવના સમયે અશુભ તત્ત્વથી ઘરનું વાતાવરણ સુરક્ષિત રહે એ માટે હોમ કરવામાં આવતા. બાળકના જન્મ બાદ સૂતિકાગૃહમાં અગ્નિ પ્રગટાવવામાં આવતો, મંત્રોના ધ્વનિ સાથે તેમાં ધાન્યના કણોની આહુતિ અપાતી.
‘जातमात्र कुमारस्य मुखमादौ विलोकयेत् ।
पैत्रादृणाद्विमुच्येत पुत्रस्य मुखदर्शनात् ।।’
‘પુત્રના પ્રથમ મુખદર્શન માત્રથી પિતા પિતૃઋણમાંથી મુક્ત થાય છે.’
પિતાને બાળકના જન્મના શુભ સમાચાર અપાયા બાદ પિતા પુત્રનું મુખ જુએ છે, અને વસ્ત્રો સહિત સ્નાન કરી નાંદીશ્રાદ્ધ કરે છે. વિદ્વાન બ્રહ્મણોને બોલાવી સ્વસ્તિવાચન કરાવવામાં આવે છે તથા આશ્વલાયન અને શાંખાયન સૂત્ર અનુસાર પિતા પોતાની ચોથી આંગળી અથવા સોનાની સળીથી શિશુને મધ અને ઘી ચટાડે છે. આચાર્ય અથવા પિતા દ્વારા પુત્રના કાનમાં મંત્રોચ્ચારણ કરવામાં આવે છે, જેને મેધાજનન કહેવાય છે. આ ક્રિયા શિશુના બૌધિક વિકાસની સૂચક છે. આયુર્વેદ પ્રમાણે સુવર્ણ વાયુ વગેરે દોષોનું ઉપશમન કરનાર, ઘી શરીરની ગરમીને મટાડનાર, બળવર્ધક છે અને મધ પાચનશક્તિ વધારનારું છે.
વિવિધ મંત્રોચ્ચાર સાથે બાળકના અંગોનો સ્પર્શ કરવામાં આવે છે, જેથી દેવોની કૃપાથી બાળકને બુદ્ધિ, બળ અને આરોગ્ય પ્રાપ્ત થાય. બાળકને જન્મ આપનારી માતાની પ્રશંસા કરવામાં આવે છે, જેથી પ્રસવપીડામાં જનનીને રાહત મળે છે અને મન પ્રફુલ્લીત બને છે.
આ સંસ્કાર વખતે બાળકનું નાળછેદન કરી ઉષ્ણજળથી સ્નાન કરાવી માતા સ્તનપાન કરાવે છે. વારસાઇ ગુણો બાળકમાં ઉતરે તેવા હેતુથી બાળક માટે માતાનુ દૂધ વધારે હિતાવહ માનવામાં આવે છે.
લગભગ દરેક ધર્મમાં પોતપોતાના રિવાજ પ્રમાણે આ સંસ્કાર કરવામાં આવે છે.આ સંસ્કારમાં જો શાસ્ત્રીય વિધિ-વિધાન ભળે તો બાળક સર્વ રીતે આરોગ્ય અને યશની પ્રાપ્તિ કરનારું બને છે.
@ આ પોસ્ટને કસોટી રુપે રાખવામાં આવી હતી...કારણ હતું આ સોળસંસ્કાર રૂપી યજ્ઞનું સફળ થયાનું પ્રમાણ મેળવવું. કોઇ એક વાચક આ તૃટી સમક્ષ ધ્યાન દોરે અને યજ્ઞ સફળ કરે.
બસ ભોળાનાથની કૃપા અને આપ સૌના સહકારથી મારો આ નાનો એવો જ્ઞાનયજ્ઞ સંપૂર્ણ થયો. એ બદલ હું આપ સૌ નો અને ભોળાનાથનો આભારી છું.
બસ આમજ પ્રશ્નો કરતા રહેજો,
જ્ઞાન ગોષ્ઠી થતી રહેશે. અને આવા તો અનેક યજ્ઞો સાથે મળીને પૂરા કરશું અને જીવને એના યોગ્ય ગંતવ્ય સુધી લઇ જશું.....
જય ભોળાનાથ....
હર હર મહાદેવ.... હર.....