...#... ૧૬. અંત્યેષ્ઠી સંસ્કાર...#...
હિંદુઓના જીવનનો અંતિમ સંસ્કાર અંત્યેષ્ટી છે, જેની સાથે એના આ ઐહિક જીવનનો અંતિમ અધ્યાય પૂરો થાય છે. મરણ પછીની આ છેલ્લી ક્રિયાને અંત્યેષ્ટી (છેલ્લો યજ્ઞ) કહે છે.
મૃત્યુ બાદ મરનારના પાર્થિવ દેહને જમીન પર ગાયના છાણ વડે લીંપણ કરી તેના પર મૂકવામાં આવે છે.મસ્તક ઉત્તર દિશા તરફ રખાય છે. વેદોના મંત્રોચ્ચાર તેના કાન પાસે કરાય છે. ગંગાજળ, તુલસીપત્ર વગેરે મોંમાં મુકાય છે, દીવો પ્રગટાવાય છે, મંત્રોચ્ચાર કે શ્લોકોચ્ચાર કરાય છે, ભજન-કીર્તન ગવાય છે.
વૈદિક કાળમાં મૃત્યુ પછી તરત જ હોમ થતો. અગ્નિમાં ઘીની ચાર આહુતિ અપાતી. આજે યજ્ઞધર્મના હ્રાસની સાથે આ વિધિ લુપ્ત થઇ છે. તેને બદલે મુખમાં તુલસીપત્ર સાથે થોડાંક પાણીનાં ટીપાં રેડાય છે. બંગાળમાં મરણાસન્ન વ્યક્તિને નદી કિનારે લઇ જઇ તેનાં દેહને અર્ધભાગ પાણીમાં ડુબાડાય છે, આ ક્રિયા અંતર્જલી કહેવાય છે. ત્યારબાદ ઉદુમ્બરની લાકડીની એક નનામી (ઠાઠડી) બનાવવામાં આવે છે, જેના પર કૃષ્ણ મૃગચર્મનો એક ટુકડો પાથરી માથું દક્ષિણ તરફ અને મોં ઉત્તરની બાજુ રાખી શબને તેના પર મૂકવામાં આવે છે. શબયાત્રામાં મૃત વ્યક્તિનો જ્યેષ્ઠ પુત્ર આગળ રહે છે. એ પોતાના હાથમાં બળતી માટલી રાખીને ચાલતો, જેને ગાર્હપત્ય અગ્નિથી સળગાવવામાં આવતી. શબયાત્રામાં વયોવૃદ્ધો આગળ ચાલતા. પ્રાચીન કાળમાં સ્ત્રીઓ પણ પોતાના વાળોને અસ્તવ્યસ્ત કરી સ્મશાનમાં જતી. મૃત વ્યક્તિની પત્ની એનું નેતૃત્વ લેતી. હાલ સ્ત્રીઓ સ્મશાનમાં જતી નથી, પણ વિધવા સ્ત્રી પોતાના કંકણાદિ સૌભાગ્ય ચિહ્ન ભાંગી નાંખી તેનો હંમેશ માટે ત્યાગ કરે છે.
અંતિમ યાત્રા ઘરથી સ્મશાન ભૂમિ સુધી ત્રણ જગ્યાએ વિરામ માટે રોકાય છે, જ્યાં વિશેષ વિધિવિધાન કરવામાં આવે છે. માર્ગમાં યમસૂક્તનો પાઠ કરવામાં આવે છે. આરંભિક ક્રિયાઓ સમાપ્ત થયા પછી દાહ આરંભાય છે. સ્મશાનમાં શબને બાળ્યા પછી લાડવાવાળો ઘડો ભાગી નાંખવામાં આવે છે, જેને ‘ઘડો લાડવો’ કહે છે. શબદહન પછી પુરુષો આસપાસ કંઇ જોયા વિના સ્મશાન ભૂમિમાંથી પાછા ફરે છે. ત્યારબાદ ઉદક-કર્મ વિધિ કરવામાં આવે છે, જેમાં મૃત વ્યક્તિને જલ અર્પણ કરવામાં આવે છે. મૃત વ્યક્તિની સાતમી કે દસમી પેઢી સુધીના બધા જ સંબંધીઓ નજીકના જળાશયમાં સ્નાન કરી પ્રજાપતિની સ્તુતિ કરે છે, પોતાનું મુખ દક્ષિણ તરફ રાખી પાણીમાં ડૂબકી મારે છે અને મૃત વ્યક્તિનું નામ લેતાં એને જળની અંજલિ આપે છે. આ પછી રાંધેલો ભાત કાગડાઓ માટે જમીન પર નાંખવામાં આવે છે. બધા એક પવિત્ર સ્થળે બેસે છે. સૂર્યાસ્ત પછી ઘેર પાછા ફરે છે.
સ્મશાનમાં પ્રતિકરુપે લઇ જવાતી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્યો છે કે માટીના રમકડાંરુપી દેહ અંતે માટીમાં જ વિલીન થઇ જવાનો છે. માણસ જન્મથી મૃત્યુ સુધી અનેક સુખ-દુઃખમાંથી, કપરા સંજોગોમાંથી પસાર થાય છે, પરંતુ એ એટલો દુઃખી નથી થતો જેટલો તેનું કોઇ સ્વજન માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઇ, પતિ કે પત્ની મૃત્યુ પામે છે. સ્મશાનયાત્રા તથા સ્મશાનમાં નશ્વર દેહને અગ્નિદાહ અપાતો હોય એ સમયનું વાતાવરણ કોઇપણ કઠોર દિલની વ્યક્તિને હચમચાવી મૂકે છે. પરંતુ આપણા શાસ્ત્રો જણાવે છે કે તું દુઃખી ન થા, આ તો જીવ અને શિવનું મિલન છે. સ્મશાન એ શિવનું નિવાસસ્થાન છે. સ્મશાને અગ્નિ સાથે લઇ જવાતી દોણી મનુષ્ય દેહની નિરર્થકતાનું પ્રતિક છે. અગાઉના સમયમાં તો જે અગ્નિ વિવાહકાર્ય સંપન્ન કરવામાં ઉપયોગમાં લેવાતો એ જ અગ્નિને ઘરમાં વર્ષો સુધી પ્રજ્વલિત રાખવામાં આવતો અને માણસનું મૃત્યું થતાં તે જ અગ્નિને માટલીમાં સ્મશાને લઇ જઇ તેનાથી મનુષ્ય દેહને અગ્નિદાહ દેવામાં આવતો. કાળક્રમે તેમાં ફેરફાર થયો, પરંતુ દોણીમાં અગ્નિ લઇ તે અગ્નિ દ્વારા મનુષ્ય દેહને અગ્નિદાહ આપવાની વિધિ આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
દાહક્રિયા પછી અસ્થિ સંચયની વિધિ આવે છે. અગ્નિદાહના બીજા કે ત્રીજા દિવસે ભેગા કરેલા અસ્થિને એક પાત્રમાં ભરવામાં આવે છે. ત્યારબાદ અનુકુળતાએ એ અસ્થિને ગંગા, નર્મદા જેવી પવિત્ર નદીઓ અથવા પવિત્ર સરોવરમાં પધરાવવામાં આવે છે.
હિન્દુઓની અંત્યેષ્ટી ક્રિયાની છેલ્લી વિધિ પિંડદાનની છે. શાસ્ત્રો અનુસાર મૃત્યુ પછીના પ્રથમ દિવસથી માંડી બારમા દિવસ સુધી ચોખાના લોટનો ગોળો બનાવી પિંડદાન કરાય છે. મૃત વ્યક્તિનો આત્મા સીધો પિતૃલોકમાં પહોંચતો નથી. કેટલોક સમય એ પ્રેતના રુપમાં રહે છે. શબદહન પછીના બારમાં દિવસે સપિંડીકરણની ક્રિયા દ્વારા એ પિતૃલોકમાં પહોંચે છે. આ વિધિમાં ષોડશ શ્રાદ્ધ કરાય છે. શ્રાદ્ધ કરાવનાર મસ્તક ઉપર મુંડન કરાવે છે. સરાવવાની વિધિ દસમાંથી બારમાં દિવસ સુધી ચાલે છે. કોઇ વખત દસમા અને અગિયારમા દિવસની વિધિ નદી કિનારે કરાય છે. તેરમાની વિધિ ઘરે થાય છે. બારમાંના દિવસે સગાસંબધી પિંડદર્શન કરે છે અને વિદેહ વ્યક્તિના પિંડના ત્રણ ટુકડા કરી અગાઉના પૂર્વજોના પિંડ સાથે ભેળવી દેવામાં આવે છે. તેરમાંના દિવસે મૃતવ્યક્તિને શય્યાદાન અપાય છે.
પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરાતી વિધિને ‘શ્રાદ્ધ’ કહે છે. દર મહિને માસિક શ્રાદ્ધ અને પહેલા વર્ષે ‘સંવત્સરી’ કરાય છે. ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષને ‘શ્રાદ્ધપક્ષ’ કહેવાય છે. વ્યક્તિ જે તિથિએ મૃત્યુ પામી હોય એ તિથિએ તેમનું શ્રાદ્ધ ઉજવાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓનું નવમીના દિવસે, બાળકોનું ચોથના દિવસે અને પિતૃઓનું અમાવાસ્યાએ શ્રાદ્ધ કરવામાં આવે છે.
@ આજના સમયમાં માનવતાનું મુલ્ય ઘટતું જાય છે અને નૈતિકતાનું પતન થઇ રહ્યું છે, ત્યારે આ સોળ સંસ્કારની વિધિ જો દરેક ઘરે અપનાવવામાં આવે તો સમાજમાં હ્રાસ થયેલા મુલ્યોને પાછા લાવવા સરળ બનશે.
આજે જ્યારે સંસ્કાર શું છે ? એ જ કોઇને ખબર નથી ત્યારે અહીં કરેલો નાનકડો પ્રયાસ જરુર ઉપયોગી થશે.
.....શુભસ્તુ....
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...