...#... ૧૪.વાનપ્રસ્થ સંસ્કાર...#...
વાનપ્રસ્થ સંસ્કાર એ એક આશ્રમ તરીકે વધુ પ્રચલિત છે, પરંતુ ગૃહસ્થાશ્રમની સમાપ્તિ અને વાનપ્રસ્થની શરુઆત સૂચવતી વિધિને સંસ્કાર રુપે ગ્રહણ કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમી પોતાના પરિવારનું ભરણ-પોષણ કરતો કરતો ધીરે ધીરે સંસારની મોહ-માયા, બંધન તથા ભોગોથી વિરક્ત થતો જાય છે. પચાસ વર્ષની ઉંમરે ઘરે સંતાનોના પણ સંતાનો થઇ ગયા હોય છે. આ સમયે પરિવારનું સમગ્ર ઉત્તરદાયિત્વ ધીરે ધીરે પુત્રોને સોંપી નિવૃત્ત થવાનું હોય છે.
આપણી સંસ્કૃતિમાં મનુષ્યજીવનને મુખ્ય ચાર આશ્રમમાં વહેચવામાં આવ્યું છે.
* પ્રથમ આશ્રમ : - બ્રહ્મચર્યાશ્રમ, જેમાં જ્ઞાન અર્જિત કરવાનું હોય છે.
* બીજો આશ્રમ :- ગૃહસ્થાશ્રમ, જેમાં ધનપ્રાપ્તિ કરવી તથા મર્યાદા અનુસાર ભોગ ભોગવવાના હોય છે.
*ત્રીજો આશ્રમ:- વાનપ્રસ્થાશ્રમ, જેમાં ગૃહસ્થાશ્રમમાંથી ધીરે ધીરે નિવૃત્ત થવાનું હોય છે.
*ચોથો આશ્રમ :- સંન્યાસાશ્રમ, જેમાં સંપૂર્ણ નિવૃત્તિ સાથે ભગવદોપાસના કરવાની હોય છે.
આ ચારેય આશ્રમમાં વાનપ્રસ્થને મુખ્ય દરજ્જો આપવામાં આવ્યો છે. આ અવસ્થામાં દેશ, ધર્મ તથા સમાજની સેવા કરીને તેનું આપણા ઉપર રહેલું જે ઋણ તેનાથી મુક્ત થવાનો અવસર મળતો હોય છે. માટે જીવનનો ચતુર્થાંશ ભાગ પરમાર્થના કાર્યોમાં વ્યતીત કરવો જોઇએ.
વાનપ્રસ્થમાં વ્યક્તિ સંપૂર્ણ નિવૃત્ત નથી થઇ શકતી, પરંતુ પોતાની પ્રવૃત્તિનું લક્ષ્ય બદલવાનું હોય છે. સાંસારિક પળોજણમાંથી નિવૃત્ત થઇ પોતાનો સમય-શક્તિ ધર્મકાર્યમાં, સમાજ સેવામાં અથવા દેશ સેવામાં વિતાવવાના હોય છે. વાનપ્રસ્થિએ કુટુંબ-પરિવાર છોડીને ક્યાંય જવાનું નથી હોતું, પરંતુ બાકીનું જીવન પરોપકાર માટે જીવે એ ખાસ મહત્ત્વનું હોય છે. વાનપ્રસ્થિ કૌટુબિંક કાર્યોમાંથી નિવૃત્ત થાય છે, પરંતુ જો કોઇ સલાહ-સૂચન લેવા આવેતો પોતાના અનુભવના આધારે માર્ગદર્શન અવશ્ય આપે છે. નદીની જેમ વાનપ્રસ્થમાં પોતાના અનુભવજન્ય જ્ઞાનપ્રવાહ દ્વારા સમાજને કોઇને કોઇ રીતે ઉપયોગી થવાનું હોય છે.
લાંબો સમય સંસારના વ્યવહારોમાં ગળાડૂબ ડૂબેલા વ્યક્તિ માટે એકાએક નિવૃત્ત થવું અઘરું છે, તેથી સન્યાસ પહેલા વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. વાનપ્રસ્થિ સંસારી પણ છે અને સંન્યાસી પણ છે, કારણ કે તે સંસારમાં રહે છે અને સંસારના કામ કરે છે તેથી તે સંસારી છે. સંસારના એ કાર્યોમાં પોતાનો સ્વાર્થ નથી હોતો, તેમના કાર્યો સમાજના ભલા માટે, પરમાર્થ મૂલક હોવાને કારણે તે સન્યાસી પણ છે. વાનપ્રસ્થિની પ્રવૃત્તિ છૂટતી નથી પણ એમની અહં-મમત્વાદી વૃત્તિ છૂટી જાય છે. તેનાથી વ્યક્તિ વ્યક્તિ મટી સમષ્ટીરુપ બને છે. સ્વકેન્દ્રી મટી પરકેન્દ્રી બને છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું પંદરમા સંસ્કાર એવા "સન્યાસ સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ....
હર હર મહાદેવ.... હર...