...#... ૧૩. વિવાહ સંસ્કાર (ભાગ-૧)
લગ્ન સંસ્કારથી બ્રહ્મચર્યાશ્રમમાં રહેલી વ્યક્તિનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થાય છે અને સામાજિક જીવનના આધારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સાધનામાં પ્રવૃત્ત થાય છે. હિન્દુ ધર્મમાં ગૃહસ્થાશ્રમને બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસાશ્રમનો પોષક કહ્યો છે. વિશ્વમાં લગભગ તમામ ધર્મો કે જાતિના લોકોમાં કોઇને કોઇ રીતે લગ્ન સંસ્કારની પ્રથા પ્રચલિત છે. લગ્ન માટે વિવાહ, પાણિગ્રહણ, પરિણય વગેરે શબ્દો પ્રચલિત છે.
ભારતીય સંસ્કૃતિ અનુસાર વિવાહ એ એક ધાર્મિક વિધિ છે. જૂદા જૂદા બે પરિવાર- કુટુંબના સ્ત્રી અને પુરુષનું પ્રેમના તાંતણે જોડાણ થાય છે. આ જોડાણથી એક પરિવારનો વંશ આગળ વધે છે. લગ્ન સંસ્કારમાં સાથે જોડાયેલા સ્ત્રી-પુરુષનો દાંપત્ય સંબંધ જીવન પર્યંતનો હોય છે. લગ્ન સંસ્કાર ભલે એક ધાર્મિક વિધિ છે, પરંતુ તેનો વ્યક્તિ અને સમાજ ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પડે છે.
વિવાહ હીનાંગપૂર્તિ માટેનો સંસ્કાર છે. વિવાહ દ્વારા બે દ્વંદ્વ શક્તિઓનું વિધિવત્ જોડાણ થાય છે. સ્ત્રી વિના પુરુષ અધુરો છે અને પુરુષ વિના સ્ત્રી અધુરી છે. બન્નેનું વિધિવત જોડાણ બન્ને પાત્રોને પૂર્ણ બનાવે છે અને સૃષ્ટિનું રચનાત્મક કાર્ય આગળ વધે છે.
વિવાહને એક સામાજિક સંસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેથી ગૃહસ્થએ વંશ વિસ્તાર, ગૃહસ્થ વ્યક્તિએ નિત્ય કરવાના પંચ મહાયજ્ઞ તથા પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજો ગૃહસ્થોએ પૂરી કરવાની હોય છે. ગૃહસ્થોએ જીવનમાં રહેલી કામનાને નિયંત્રિત કરી સામાજિક સેવાકાર્યોની સાથે સાથે મોક્ષ પ્રાપ્તિના માર્ગે આગળ વધવાનું હોય છે. આપણી સંસ્કૃતિમાં લગ્નને એક યજ્ઞ માનવામાં આવ્યો છે.
મનુષ્યો ઉપર ઋષિઋણ, દેવઋણ અને પિતૃઋણ - આ ત્રણ ઋણ હોય છે.આ ઋણમાંથી મુક્તિ મેળવવા વિવાહ કરવા આવશ્યક છે. માટે હિન્દુ ધર્મમાં વિવાહને પવિત્ર સંસ્કાર માનવામાં આવ્યો છે.
માવન જીવનનું અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ છે. એ ધ્યેયને મેળવવા માર્ગમાં અંતરાયરૂપ થતી જન્મજન્માંતરથી જીવ સાથે જોડાયેલી વિષયવાસનાના વેગને મંદ પાડવા તથા સંસારમાંથી વૈરાગ્ય જગાડવા વિવાહ જરુરી બને છે. સંસારની મૃગજળવત્ રમણીયતા પાછળ રહેલા દુઃખો સમજણ વિના દેખાતા નથી. અગ્નિની ઉષ્ણતાનો અનુભવ કરનાર ફરીવાર અગ્નિમાં હાથ ન નાખે તેમ આભાસી સુખમાં રહેલી અસારતાને ઓળખવા શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમ કરવાનું કહ્યું છે.
આપણા શાસ્ત્રોમાં વિવાહના આઠ પ્રકાર ગણાવ્યા છે.
૧)બ્રાહ્મ વિવાહ.
૨)દૈવ વિવાહ.
૩)આર્ષ વિવાહ
૪)પ્રાજાપત્ય વિવાહ.
૫)આસુરી વિવાહ.
૬)ગાંધર્વ વિવાહ.
૭)રાક્ષસી વિવાહ.
૮)પિશાચી વિવાહ.
જેમાં પ્રથમ ચારને ઉત્તમ અને છેલ્લા ચારને અધમ ગણવામાં આવ્યા છે.
૧. બ્રાહ્મ વિવાહ : કન્યાના પિતા વિદ્વાન તથા શીલસંપન્ન પુરુષનો વિધિ પૂર્વક સત્કાર કરી, તેની પાસેથી કંઇ લીધા વિના યથાશક્તિ દક્ષિણા સાથે વસ્ત્રાભૂષણોથી અલંકૃત કન્યાનું દાન કરે છે. આ વિવાહને સૌથી ઉત્તમ માનવામાં આવ્યા છે.
૨. દૈવ વિવાહ : સદ્ગુણી અને કર્મઠ વ્યકિતને વિધિપૂર્વક કન્યાદાન આપવું, તેને દૈવ વિવાહ કહેવાય છે.
૩. આર્ષ વિવાહ : આ વિવાહમાં કન્યાના પિતા પુરુષ પાસેથી ગાય, બળદ કે અન્ય વસ્તુ ધર્મપૂર્વક સ્વીકારી કન્યાદાન કરે છે.
૪. પ્રાજાપત્ય વિવાહ : કન્યા પુરુષ સાથે મળી ધાર્મિક તથા સામાજિક કર્તવ્યોમાં જેડાય તેવા ઉદ્દેશથી કરાતું કન્યાદાન પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે.
ઉપર્યુક્ત ચાર પ્રકારના વિવાહને ઉત્કૃષ્ટ માનવામાં આવે છે. એમાં અલંકારોથી સુસજ્જિત કન્યાનું દાન ધર્મપૂર્વક કરવામાં આવે છે. આ ચાર પ્રકારના વિવાહોમાં ઉપલક ભેદ છે, પાયાના કોઇ ભેદ જણાતા નથી. ચારેય પ્રકારમાં યોગ્ય પતિની પસંદગી, કન્યાદાન તથા પૂર્ણ ધાર્મિક વિધિ થાય છે તથા સામાજિકતા, ધાર્મિકતા અને સંસ્કારિતતાના દર્શન થાય છે. આથી આ પ્રકારના વિવાહો સર્વને માટે સુખદાયી નીવડે છે.
૫. આસુરી વિવાહ : કન્યા વિક્રય અથવા પુરુષ વિક્રય કરી (દહેજની લેવડ-દેવડ કરી)કરાતા લગ્નને આસુરી વિવાહ કહેવામાં આવે છે.
૬. ગાંધર્વ વિવાહ : પુરુષ તથા સ્ત્રી પરસ્પરની પસંદગીથી પ્રેમભાવને વશ થઇ કરાતા કામોપભોગને ગાંધર્વ વિવાહ કહે છે.
૭. રાક્ષસી વિવાહ : કન્યાનું અપહરણ કરી તેની અનીચ્છા હોવા છતાં કરાતા લગ્નને રાક્ષસી લગ્ન કહે છે.
૮. પિશાચી વિવાહ : ગાઢ નિદ્રામાં સુતેલી, મદ્યમત તથા બેભાન અવસ્થામાં પડેલી કન્યા સાથેનો કામોપભોગ પિશાચી વિવાહ કહેવાય છે.
વિવિધ સંસ્કૃતિ તથા રીત-રીવાજ મુજબ સમાજમાં આજે સગાઇથી માંડીને વિવાહ સુધીની પ્રક્રિયામાં અનેક પ્રકારના વિધિ-વિધાન જોવા મળે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કન્યા તથા વરની પસંદગી કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી જોવા મળે છે. સગાઇ દરમિયાન અથવા વિવાહ દરમિયાન થતી વિધિઓ અનેક રહસ્યોયુક્ત હોય છે. મંડપ સ્થાપન, પીઠી ચોળવી, પોંખણા, હસ્તમેળાપ, છેડાછેડી, કંસારની વિધિ, કન્યાદાન, હોમ, ફેરા, સપ્તપદી વગેરે વિધિના રહસ્યોને સમજીને જો અમલમાં મુકવામાં આવે તો દાંપત્યજીવન મધુર બની રહે છે.
..........(ક્રમશઃ )......