...#... ૧૨. સમાવર્તન સંસ્કાર...#...
‘वेदाध्ययनानन्तरं गुरुकुलात् स्वगृहागमनम् समावर्तनम् ।’
વિદ્યાર્થીજીવનની સમાપ્તિ સમયે તથા ગૃહસ્થ જીવનના પ્રારંભ પૂર્વે સમાવર્તન સંસ્કાર કરવામાં આવે છે. વેદાધ્યયન પૂર્ણ કરી બ્રહ્મચારી ગુરુની આજ્ઞા સ્વીકારી ઘરે પાછા ફરતી વખતે ગુરુ દ્વારા અપાતો છેલ્લો સંસ્કાર એટલે સમાવર્તન સંસ્કાર. વિદ્યાભ્યાસ પૂર્ણ થાય એટલે વિદ્યાર્થી સામે બે માર્ગમાંથી એક માર્ગ પસંદ કરવાનો રહેતો. પહેલો માર્ગ ગૃહસ્થાશ્રમનો હતો, જ્યારે બીજો માર્ગ સન્યાસાશ્રમનો હતો. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીને ગુરુ છેલ્લો ઉપદેશ આપતા અને વિધિ પૂર્વક આશ્રમમાંથી વિદાય આપતા.
વૈદિક કાળમાં ૨૫ વર્ષની અવસ્થા થાય ત્યારે અભ્યાસ પૂર્ણ થતો. વિદ્યાર્થી બ્રહ્મચર્ય પૂર્વક ગુરુકુલમાં રહી વેદ-વેદાંગનો અભ્યાસ સમાપ્ત કરી ગુરુની કસોટીમાં સફળ થતો ત્યારે ગુરુ તેમનો સમાવર્તન સંસ્કાર કરતા. સમાવર્તન સંસ્કાર માટે શુભ દિવસની પસંદગી થતી. શુભ મુહૂર્તમાં ગુરુને વંદન કરી બ્રહ્મચારી આશ્રમસ્થ યજ્ઞકુંડમાં છેલ્લી આહુતિ આપતો. આહુતિ આપ્યા બાદ વૈદિક ઋચાઓ સાથે તે સ્નાન કરતો. આ સ્નાન સાથે બ્રહ્મચારી ગુરુકુલના વ્રત-નિયમોના બંધનમાંથી મુક્ત થતો. બ્રહ્મચારીના વેશનો ત્યાગ કરી પોતાના પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ગુરુદક્ષિણા આપી ગુરુ પાસે ઘરે જવાની આજ્ઞા માગતો. એ સમયે ગુરુ દક્ષિણાનો સ્વીકાર કરી છેલ્લો ઉપદેશ આપતા. આ ઉપદેશ વિદ્યાર્થીના હવે પછીના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો રહેતો. આમ સમાવર્તન સંસ્કાર સાથે વિદ્યાર્થીનું તપસ્યાપૂર્ણ જીવન સમાપ્ત થતું.
આ સંસ્કારના માધ્યમથી ગુરુ શિષ્યને ઇન્દ્રિય નિગ્રહ, દાન, દયા અને માનવ કલ્યાણની શિક્ષા આપતા. ઉપનિષદમાં સમાવર્તન સંસ્કાર વખતે ગુરુ દ્વારા અપાતા ઉપદેશના મંત્રો જોવા મળે છે.
‘मातृदेवो भव ।
पितृदेवो भव ।
आचार्य देवो भव ।
अतिथि देवो भव ।
स्वाध्यायां मा प्रमदितव्यम् ।’
વગેરે મંત્રો દ્વારા ગુરુ ગૃહસ્થાશ્રમને હરિયાળો બનાવવાની પ્રેરણા આપતા. માતા-પિતાની સેવા કરવી, આચાર્ય-સાધુસંતને આદર આપવો, અતિથિ સત્કાર કરવો, શાસ્ત્રોનું અધ્યયન કરવું વગેરે વેદવાક્યો ગૃહસ્થાશ્રમના કર્તવ્યની પ્રેરણા આપતા.
(વર્તમાન કાળે આ સંસ્કારને નવો જ ઓપ મળ્યો છે. જેને દિક્ષાંત સમારોહ (Convocation) કહે છે. યુનિવર્સિટી દ્વારા લગભગ દર વર્ષે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવે છે. સમાજમાં જેમનું વિશિષ્ટ યોગદાન હોય તેવા મહાનુભાવોના હાથે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાય છે અને થોડીઘણી પ્રેરણાદાયી વાતો થાય છે, પરંતુ દબદબાભેર ઉજવાતા આ સમારોહમાં વૈદિક કાળ જેવી ગરીમા જોવા મળતી નથી.)
આજે સમાજમાં બ્રહ્મચર્યાશ્રમની વ્યાખ્યા જ ભુસાઇ ગઇ છે. આજે વિદ્યાર્થીઓ ઉપદેશ સાંભળવા તૈયાર નથી અને આચાર્યોનું જીવન ઉપદેશ આપવા જેવું રહ્યું નથી, ત્યારે સમાવર્તન સંસ્કાર લગભગ મૃતપ્રાય જેવો થઇ ગયો છે. ગુરુકુલો જેવી સંસ્થામાં આ સંસ્કારનું સાચું સ્વરુપ જોવા મળે છે.
#કેશાન્ત સંસ્કાર:-
વેદાધ્યયન પૂર્ણ થયા બાદ આ સંસ્કાર કરવામાં આવે છે, જેમાં બ્રહ્મચારી બટુની પ્રથમવાર ક્ષૌરકર્મ કહેતા દાઢી-મૂછ દૂર કરવામાં આવે છે તથા અન્ય પરિવેશ પહેરાવવામાં આવે છે. વેદાધ્યયન કાળમાં જટા તથા દ્યૌતવસ્ત્રમાં બટુને રહેવાનું હોય છે. જ્યારે આ સંસ્કાર થતા પ્રથમવાર ક્ષૌરકર્મ કરી, વસ્ત્ર-અલંકાર ધારણ કરવાનાં હોય છે.
આ સંસ્કારની વિધિમાં ગાયનું દાન કરવાનું હોવાથી આને "ગોદાન સંસ્કાર" પણ કહેવાય છે. બ્રહ્મચર્યની સમાપ્તિ સૂચક તરીકે પણ કેશાન્ત સંસ્કારનો ઉલ્લેખ છે. આ સંસ્કાર થયા બાદ ગુરુની આજ્ઞાથી બ્રહ્મચારી વિવાહ સંસ્કારનો અધિકારી બને છે.
‘अथास्य गोदानविधेरनन्तरं विवाहरीक्षां निरवर्तयद्गुरुः ।’
કેશાન્ત અને સમાવર્તન સંસ્કારમાં વધુ અંતર ન હોવાથી ઘણા આચાર્યોએ આ સંસ્કારને સમાવર્તન સંસ્કારનો જ એક ભાગ ગણ્યો છે.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું તેરમા સંસ્કાર એવા "વિવાહ સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર...