...#...૦૩. સીમન્તોન્નયન સંસ્કાર...#...
સોળ સંસ્કારોમાં ત્રીજો સંસ્કાર છે, સીમન્તોન્નયન (ખોળો / ગોદ ભરાઇ) સંસ્કાર.
સીમન્તોન્નયનનો સામાન્ય અર્થ
"सीमन्त उन्नीयते यस्मिन् कर्मणि तत् सीमन्तोन्नयनम् ।"
અર્થાત કે,"સગર્ભા સ્ત્રીના વાળ ઉંચા ઓળવાની ક્રિયા એવો થાય છે."
ગર્ભવતી સ્ત્રીને પ્રફુલ્લિત રાખવા માટે તથા અશુભ શક્તિઓને દૂર રાખવા આ સંસ્કાર કરવામાં આવે છે. ઉંચા વાળ ઓળવાનો ઉદ્દેશ સગર્ભા સ્ત્રી છેલ્લા મહિનાઓમાં સાવધાનીથી વર્તે એવો છે.
આ સંસ્કારની વિધિ કૃષ્ણપક્ષની ચતુર્દશીએ કરવામાં આવે છે. અગ્નિ સ્થાપના, માતૃપૂજા, નાંદીશ્રાદ્ધ વગેરે વાસ્તવિક વિધિ-વિધાન સાથે આ સંસ્કારનો પ્રારંભ થાય છે. પત્ની પવિત્ર આસન ઉપર બેસે છે. એમની આગળ ઉદુમ્બર, કાચા ફળ, દર્ભ વગેરે એકઠા કરાય છે. પતિ દ્વારા મંત્રોના ઉચ્ચાર સાથે પત્નીના વાળને ઉંચા ઓળવામાં છે. સેંથામાં કંકુ પૂરે છે અને પત્નીને ચોખાના ઢગલા, તલ અને ઘીની સામે જોવાનું તેમજ બાળકના દીર્ઘાયુષ્યની કામના કરવાનું કહે છે. બ્રાહ્મણ ભોજન પછી આ સંસ્કાર પૂરો થયો ગણાય છે. સંસ્કાર પૂરો થયા બાદ તારા ઊગતા સુધી ભાવિ માતા મૌન ધારણ કરે છે. તારા ઉગતા મંત્ર સાથે વાછરડાનો સ્પર્શ કરી મૌન તોડે છે.
આ સંસ્કારમાં વૈદિક મંત્રો સાથે દેવો, સધવા સ્ત્રીઓ, વડીલોના આશીર્વાદથી ગર્ભની અમંગલકારી શક્તિઓથી રક્ષા થાય, ગર્ભસ્થ શિશુ તેજસ્વી, બળવાન, પરાક્રમી, તંદુરસ્ત અને દીર્ઘાયુષી બને એવી પ્રાર્થના થાય છે તથા ગર્ભવતી સ્ત્રી શારીરિક શ્રમથી દૂર રહે, માનસિક તથા શારીરિક સ્વાસ્થ્યની રક્ષા કરે એવો આ સંસ્કાર કરવા પાછળનો હાર્દ છે. આ સાથે કેટલાક નિયમોનું પણ પાલન કરવાનું રહેતું, જેવા કે પરિશ્રમ કરવો નહી, દિવસે સુવું નહીં, રાત્રે જાગવું નહીં, દુઃખ-શોકની લાગણીઓમાં વહેવું નહીં, અપવિત્ર જગ્યાએ જવું નહીં વગેરે... ગર્ભમાં રહેલ બાળકની શુદ્ધિ, પવિત્રતા અને સલામતિની ભાવના પણ આની પાછળ રહેલી છે.
મોટા ભાગના હિન્દુ કુટુંબોમાં આજે પણ આ સંસ્કાર કરવાની પ્રથા ચાલુ છે. આ સંસ્કાર સગાસંબંધીઓની હાજરીમાં પ્રયોજાય છે. મોટા ભાગે આ સંસ્કારની પદ્ધતિસરની ધાર્મિક વિધિ કરવામાં આવતી નથી. ઘણીવાર આ વિધિ માત્ર સામાજિક પ્રથા તરીકે નાના પાયે પૂરી કરવામાં આવતી હોય છે. આ દુ:ખદ છે.
સીમન્તોન્નયન સંસ્કાર કરવામાં આવે ત્યારે ગર્ભસ્થ બાળકના સર્વ અંગોનો આકાર બંધાઇ ગયો હોય છે. એનું હૃદય ધબકવા લાગ્યું હોય છે, તેના શરીરમાં ચૈતન્યનો સંચાર થઇ ચૂક્યો હોય છે. અત્યંત સંવેદનશીલ અને નિર્મળ એવા બાળહૃદય-મન-બુદ્ધિ ઉપર સંસ્કાર દરમિયાન કરાતી માંગલિક વિધિઓની ઊંડી અસર પડતી હોય છે. ગર્ભસ્થ શિશુ ઉપર પડતા સંસ્કારોને જન્મજાત સંસ્કારો કહે છે. આ સંસ્કારો કોઇ કાળે ભૂંસાતા નથી, માટે સ્ત્રીએ આ સમયે ખૂબ જ સાવધાની રાખવાની હોય છે.
બાળકને કેવું બનાવવું તે માતાના હાથમાં હોય છે. તેથી જ ગર્ભિણી સ્ત્રીને રામાયણ, મહાભારત જેવા ધર્મગ્રંથો તથા ભગવાનના ચરિત્રો, સદાચાર, શોર્ય અને પ્રેરણાદાયી કથાઓનું શ્રવણ, વાંચન કરવાની સલાહ આપવામાં આવે છે.
સીમન્તોન્નયન સંસ્કાર આરોગ્ય વિષયક બાબતો ઉપર પણ પ્રકાશ પાડે છે. આ સમયે સ્ત્રીને સંપૂર્ણ પોષ્ટિક આહાર કરવાની સલાહ આપવામાં આવે છે. માતાએ પોતાનું અને ગર્ભસ્થ શિશુનું એમ બે જણનું પોષણ કરવાનું હોવાથી પોષ્ટિક આહાર લેવો અતિ આવશ્યક છે. અન્યથા બાળક કુપોષણનો ભોગ બને છે.
આખી જિંદગી સંભાળ રાખવી પડે એના કરતા ફક્ત નવ મહિનાની પૂરતી સંભાળ, સંસારને હરિયાળો બનાવી દે છે. માટે ગર્ભિણી સ્ત્રીએ પોતાના જીવનની કેટલીક અનિચ્છનીય રીતભાતોમાં અવશ્ય ફેરફાર કરવો જ જોઇએ.
આવતી પોસ્ટમાં આપણે જાણીશું ચોથો સંસ્કાર એવા "જાતકર્મ સંસ્કાર" વિશે...
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....